AI ના બેઝિક કોર્સ કયા છે અને તે કરવા માટે કેટલું ભણતર જરૂરી છે ?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શીખવા માટે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જરૂરી નથી. 10મું, 12મું પાસ અને ગ્રેજ્યુએશન કરતા યુવાનો પણ મફત અને ઓનલાઇન બેઝિક કોર્સ કરીને AI સ્કિલ્સ શીખી શકે છે.

આજના સમયમાં એજ્યુકેશન, બેંકિંગ, મીડિયા, બિઝનેસ અને ટેક્નોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. AIની મદદથી ઘણાં કામ ઓછા સમયમાં પૂરાં કરી શકાય છે. આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ અને નોકરીની તૈયારી કરતા યુવાનોમાં AI સંબંધિત કોર્સની માંગ વધી રહી છે.
AI શીખવા માટે દરેક વ્યક્તિએ એન્જિનિયરિંગ કે કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી હોવો જરૂરી નથી. શરૂઆતના સ્તરના ઘણા કોર્સ એવા છે, જે 10મું, 12મું પાસ અને ગ્રેજ્યુએશન કરતા યુવાનો પણ પોતાની જરૂરિયાત મુજબ કરી શકે છે.
AI ના કયા કયા બેઝિક કોર્સ કરી શકાય?
AI શીખવાની શરૂઆત કરવા માટે ઘણા ઓનલાઇન કોર્સ ઉપલબ્ધ છે. તેમાંના કેટલાક મુખ્ય વિકલ્પો નીચે મુજબ છે.
- YUVA AI for ALL : આ ભારત સરકારની મફત પહેલ છે. આ કોર્સમાં AIની પાયાની માહિતી, તેના ઉપયોગો અને જવાબદારીપૂર્વક AIનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવે છે. આ કોર્સનો સમયગાળો આશરે 4.5 કલાકનો છે.
- Google AI Essentials : આ કોર્સમાં AI ટૂલ્સનો ઉપયોગ, વધુ સારા પ્રોમ્પ્ટ લખવા અને રોજિંદા કામોમાં AIની મદદ કેવી રીતે લેવી તે શીખવવામાં આવે છે. આ કોર્સ કરવા માટે અગાઉથી કોઈ ટેક્નિકલ જ્ઞાન હોવું જરૂરી નથી.
- Fundamentals of Artificial Intelligence : SWAYAM Plus પર ઉપલબ્ધ આ કોર્સમાં AI કેવી રીતે કામ કરે છે, મશીન લર્નિંગ અને અલગ-અલગ ક્ષેત્રોમાં AIના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવે છે.
- Microsoft Unlocking AI for Everyone : શરૂઆત કરનારાઓ માટેના આ કોર્સમાં AI, મશીન લર્નિંગ અને જનરેટિવ AIની પાયાની માહિતી આપવામાં આવે છે. આ કોર્સ Skill India Digital Hub પર મફતમાં ઉપલબ્ધ છે.
AI નો કોર્સ કરવા માટે કેટલું ભણતર જરૂરી છે?
AI ના બેઝિક કોર્સ કરવા માટે કોઈ ખાસ ડિગ્રી હોવી જરૂરી નથી. 10મું કે 12મું પાસ વિદ્યાર્થી પણ શરૂઆતના કોર્સ દ્વારા AI શીખવાનું શરૂ કરી શકે છે. ઘણા Aનલાઇન પ્રોગ્રામમાં કોઈ ટેક્નિકલ અનુભવની પણ જરૂર પડતી નથી. જોકે, જો તમે AI એન્જિનિયર, મશીન લર્નિંગ એન્જિનિયર અથવા ડેટા સાયન્ટિસ્ટ બનવા માંગતા હો, તો કમ્પ્યુટર સાયન્સ, ગણિત, પ્રોગ્રામિંગ અને આંકડાશાસ્ત્રનું જ્ઞાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે સંબંધિત ડિગ્રી અથવા એડવાન્સ ટ્રેનિંગની જરૂર પડી શકે છે.
AI નો કોર્સ કર્યા પછી શું ફાયદા થશે?
AIનું બેઝિક નોલેજ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બનાવવા, કન્ટેન્ટ તૈયાર કરવા, રિસર્ચ કરવા અને ડેટા સમજવામાં મદદરૂપ થઈ શકે છે. બીજી તરફ, નોકરી કરતા લોકો પણ AI ની મદદથી પોતાનું કામ વધુ અસરકારક રીતે કરી શકે છે. જોકે, માત્ર એક બેઝિક સર્ટિફિકેટથી નોકરી મળી જવાની કોઈ ગેરંટી નથી. તેના માટે પ્રેક્ટિકલ સ્કિલ્સ અને અનુભવ હોવો પણ જરૂરી છે.
ક્યાંથી અરજી કરવી?
રસ ધરાવતા વિદ્યાર્થીઓ Skill India Digital Hub, SWAYAM Plus અને Google AI Skills જેવા સરકારી તથા ઑનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કોર્સ જોઈ શકે છે. અરજી કરતા પહેલાં કોર્સની ફી, સમયગાળો, ભાષા અને સર્ટિફિકેટ સંબંધિત માહિતી ચોક્કસ તપાસી લેવી.
