Breaking News : વેન્સ નહીં, રુબિયો હશે ટ્રમ્પના ઉત્તરાધિકારી! અમેરિકાના રાજકારણમાં ચર્ચા તેજ
અમેરિકામાં 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પના ઉત્તરાધિકારીની ચર્ચા તેજ બની છે. તાજેતરના સર્વેમાં માર્કો રુબિયો જે.ડી. વેન્સ કરતા આગળ નીકળી ગયા છે. જોકે, ઈરાન સાથેની વાટાઘાટોમાંથી ટ્રમ્પે વેન્સને દૂર રાખ્યાના અહેવાલોથી રાજકીય ગરમાવો વધ્યો છે.

અમેરિકામાં વર્ષ 2028માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પના ઉત્તરાધિકારીને લઈને અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પ બાદ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે, તે મુદ્દે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનાં નામ સૌથી વધુ ચર્ચામાં છે. જોકે, તાજેતરમાં સામે આવેલા બે અહેવાલોએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. એક તરફ સર્વેક્ષણમાં માર્કો રુબિયોએ લોકપ્રિયતાના મામલે વેન્સને પાછળ છોડી દીધા છે, તો બીજી તરફ ઈરાન સાથેની સંભવિત શાંતિ મંત્રણા દરમિયાન ટ્રમ્પે વેન્સને દૂર રાખ્યાના અહેવાલો સામે આવ્યા છે.
સર્વેક્ષણમાં માર્કો રુબિયો વેન્સ કરતાં આગળ
રોઇટર્સ અને ઇપ્સોસ દ્વારા 12 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, 45 ટકા રિપબ્લિકન મતદારોએ માર્કો રુબિયોને 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શ્રેષ્ઠ સંભવિત ઉમેદવાર ગણાવ્યા છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સને 43 ટકા મતદારોનું સમર્થન મળ્યું છે. આમ, આ સર્વેમાં રુબિયો વેન્સ કરતાં બે ટકા પોઇન્ટ આગળ રહ્યા છે. બીજી તરફ, ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસને 32 ટકા રિપબ્લિકન મતદારોએ પસંદ કર્યા છે.
સર્વેક્ષણમાં ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવારો અંગે પણ મતદારોનો અભિપ્રાય જાણવા મળ્યો હતો. જ્યોર્જિયાના સેનેટર જોન ઓસોફ અને અમેરિકાના પૂર્વ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બુટિગીગને 29-29 ટકા મત મળ્યા હતા. જ્યારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમને 23 ટકા મતદારોએ પસંદ કર્યા હતા. ન્યૂયોર્કની કોંગ્રેસવુમન એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝને 15 ટકા મત મળ્યા હતા.
આ સર્વે અમેરિકાના કુલ 1,705 લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો. તેમાં બંને મુખ્ય રાજકીય પક્ષોના આશરે 500-500 નોંધાયેલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેક્ષણમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક મતદારો માટે અંદાજિત પાંચ ટકા પોઇન્ટની ભૂલની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, નોંધનીય છે કે 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અત્યાર સુધી કોઈપણ નેતાએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી જાહેર કરી નથી.
ટ્રમ્પ પછી રિપબ્લિકન પાર્ટીનું નેતૃત્વ કોના હાથમાં?
ડોનાલ્ડ ટ્રમ્પ બાદ રિપબ્લિકન પાર્ટીની કમાન કોને સોંપવામાં આવશે, તે અંગે પાર્ટીની અંદર પણ ચર્ચાઓ ચાલી રહી છે. માર્કો રુબિયો અને જે.ડી. વેન્સ બંને ટ્રમ્પના નજીકના નેતાઓ ગણાય છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પે પોતાના નજીકના સાથીઓ સાથે પણ બંને નેતાઓ અંગે તેમની પસંદગીને લઈને ચર્ચા કરી છે. જોકે, CBSના કાર્યક્રમ ’60 Minutes’માં આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રિપબ્લિકન પ્રાઇમરીમાં કોઈ એક ઉમેદવારને સમર્થન આપશે જ એવું જરૂરી નથી.
સર્વેક્ષણમાં રુબિયો આગળ હોવા છતાં તેમની ઓળખ અને લોકપ્રિયતા અંગે કેટલાક પ્રશ્નો પણ સામે આવ્યા છે. આશરે છમાંથી એક રિપબ્લિકન મતદારે સ્વીકાર્યું હતું કે તેઓ માર્કો રુબિયોને સારી રીતે ઓળખતા નથી. બીજી તરફ, જે.ડી. વેન્સથી અજાણ હોય તેવા રિપબ્લિકન મતદારોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.
આ ઉપરાંત, ટ્રમ્પના સમર્થકોમાં પણ આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે ટ્રમ્પની નીતિઓને આગળ વધારવી જોઈએ કે પછી પોતાની અલગ રાજકીય દિશા અપનાવવી જોઈએ, તે મુદ્દે મતભેદ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઈરાન સાથેના સંઘર્ષ અને તેના કારણે વધતા ઇંધણના ભાવને લઈને રિપબ્લિકન પાર્ટીના કેટલાક વર્ગોમાં ટ્રમ્પની નીતિઓ સામે અસંતોષની સ્થિતિ ઊભી થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ઈરાન સાથેની વાટાઘાટોમાંથી જે.ડી. વેન્સને દૂર રાખ્યા?
માર્કો રુબિયો અને જે.ડી. વેન્સ વચ્ચેની રાજકીય સ્પર્ધાની ચર્ચા વચ્ચે ઈરાન સાથેના સંબંધોને લઈને પણ એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. 13 નવેમ્બરના રોજ ટ્રમ્પે ઈરાન સાથે નવા કરારની જરૂરિયાત ન હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેમણે વેન્સને ઈરાન સંબંધિત વાટાઘાટોમાંથી દૂર રહીને અમેરિકાના આંતરિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે અમેરિકાને હવે ઈરાન સાથે કોઈ નવા સોદાની જરૂર નથી. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે ઈરાન સામે આર્થિક અને વ્યૂહાત્મક દબાણ ઊભું કરવા માટે જરૂરી સાધનો છે. તેમના મતે, નૌકાદળની નાકાબંધી અને આર્થિક પ્રતિબંધોની અસર થઈ રહી છે, તેથી હાલ નવા લશ્કરી સંઘર્ષ કે વાટાઘાટોની જરૂરિયાત નથી.
આ અગાઉ ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે.ડી. વેન્સ ઈરાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરીને સંભવિત સમજૂતી અંગે ચર્ચા કરવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે, ટ્રમ્પના તાજેતરના નિવેદન બાદ આ સંભવિત વાટાઘાટો અંગે સવાલો ઊભા થયા છે.
ચૂંટણીમાં મળેલી હાર માટે વેન્સે ઈરાન યુદ્ધને જવાબદાર ગણાવ્યું
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને ડેમોક્રેટિક પાર્ટી સામે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ પરિણામ બાદ જે.ડી. વેન્સે સ્વીકાર્યું હતું કે ઈરાન સાથેના યુદ્ધને કારણે ઊભા થયેલા આર્થિક બોજની અસર પાર્ટીના ચૂંટણી પ્રદર્શન પર પડી છે. વેન્સ અગાઉ પણ આ સંઘર્ષનો અંત લાવવાની સલાહ આપી ચૂક્યા છે. જોકે, ટ્રમ્પે પોતાની લશ્કરી નીતિનો બચાવ કરતાં કહ્યું હતું કે ઈરાનને પરમાણુ હથિયારો મેળવતું અટકાવવા માટે લશ્કરી કાર્યવાહી જરૂરી હતી.
હવે ટ્રમ્પે વેન્સને મિનેસોટા, કેલિફોર્નિયા અને ઇલિનોઇસ જેવા ડેમોક્રેટિક શાસન ધરાવતા રાજ્યોમાં કથિત ભ્રષ્ટાચાર અને ગુનાખોરીના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હોવાનું જણાવાયું છે. ટ્રમ્પે આ રાજ્યોમાં સરકારી નાણાંની મોટા પાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો પણ કર્યા છે. તેમના દાવા મુજબ, આ કથિત ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવામાં આવે તો અમેરિકાની બજેટ ખાધ ઘટાડવામાં મદદ મળી શકે છે.
2028ની ચૂંટણીમાં કોણ મારશે બાજી?
હાલના સર્વેક્ષણમાં માર્કો રુબિયો જે.ડી. વેન્સ કરતાં આગળ દેખાઈ રહ્યા છે, પરંતુ બંને વચ્ચેનો તફાવત માત્ર બે ટકા પોઇન્ટનો છે. બીજી તરફ, ટ્રમ્પના તાજેતરના નિર્ણયો અને ઈરાન મુદ્દે વેન્સની ભૂમિકા પણ રાજકીય ચર્ચાનો વિષય બની છે. જોકે, 2028ની ચૂંટણીમાં હજુ ઘણો સમય બાકી છે અને આગામી સમયમાં પાર્ટીની અંદર બદલાતા સમીકરણો બંને નેતાઓનું રાજકીય ભવિષ્ય નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
અમેરિકાના 5 મોટા નેતાઓની પત્નીઓ છે ભારતીય મૂળની
