પુત્ર આર્યવીરની ઇનિંગ જોઈ ગદગદ થયો વીરેન્દ્ર સેહવાગ, પાકિસ્તાન સામેની જીત પર કરી ખાસ પોસ્ટ
અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતે એક વિકેટથી ઐતિહાસિક જીત મેળવી હતી. 338 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરીને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતાં ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે પુત્ર આર્યવીર સહિત ટીમના યુવા ખેલાડીઓની લડાયક રમત અને જીતના જુસ્સાની પ્રશંસા કરી હતી.

અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની આ શાનદાર જીત બાદ વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે મેચના રોમાંચક અંત અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવ્યું હતું. સેહવાગે લખ્યું હતું કે 338 રનનો પીછો કરીને પાકિસ્તાનને હરાવવું ટીમના મજબૂત મનોબળ અને લડાયક ભાવનાનું ઉદાહરણ છે.
સેહવાગે કરી ખાસ પોસ્ટ
સેહવાગે પોતાની પોસ્ટમાં કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીના 80 રન, પુત્ર આર્યવીર સેહવાગની 58 રનની ઇનિંગ અને મનલ ચૌહાણ તથા મોહિત ઉલ્વાના નિર્ણાયક યોગદાનનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે યુવા ખેલાડીઓ પર ગર્વ વ્યક્ત કરતાં આ જીતને અદ્ભુત ગણાવી હતી.
ફાઇનલમાં આર્યવીર સેહવાગની ફિફ્ટી
આ ફાઇનલમાં આર્યવીરે પણ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. હાથમાં ઈજા હોવા છતાં તેણે હિંમત હાર્યા વિના બેટિંગ ચાલુ રાખી હતી. તેણે 61 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. કેપ્ટન લક્ષ્ય સાથે તેની 95 રનની ઓપનિંગ ભાગીદારીએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી.
What a match! What a finish! To beat Pakistan in an U19 Asia Cup final chasing 338 takes some serious character. Lakshya’s 80, Aaryavir’s 58, and then Manal Chauhan and Mohit Ulva’s Jalwa when we needed a miracle. What a unbelievable victory. Proud of these young Champions!
— Virrender Sehwag (@virendersehwag) November 14, 2026
આર્યવીર સેહવાગ પ્લેયર ઓફ ધ સિરીઝ
આર્યવીર માટે આ ટુર્નામેન્ટ યાદગાર રહી હતી. તેણે પાંચ ઇનિંગમાં કુલ 361 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. તેના આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો.
મનલ-મોહિતે અંતિમ ઓવરમાં ભારતને જીત અપાવી
મેચની અંતિમ ક્ષણોમાં મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ ભારતની જીતની આશા જીવંત રાખી હતી. મનલના 47 રન બાદ મોહિતે 28 બોલમાં અણનમ 49 રન ફટકારીને છેલ્લા બોલે ભારતને જીત અપાવી હતી. આ રીતે ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવી નવમી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ ઐતિહાસિક જીતથી સેહવાગ સહિત ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ખુશી છવાઈ ગઈ હતી.
