અમદાવાદમાં મોડી રાત્રે વડાપ્રધાન મોદીનો રોડ શો, કરાર્યુ ભવ્ય સ્વાગત
12 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં જોડવા માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે.


વડાપ્રધાન મોદી આજે 11 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીની શપથવિધિમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

તેમણે અમદાવાદમાં મોડી રાત્રે રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. આ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે સ્વાગત કર્યું હતુ.

અમદાવાદમાં ભાજપના જીતેલા ઉમેદવારો એરપોર્ટ પર હાજર હતા. મોડી રાત્રે પ્રધાનમંડળની યાદીને મહોર લાગશે. તેમજ મહોર લાગ્યા બાદ યાદીમાં સામેલ ધારાસભ્યોને ફોન કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ભાજપે 156 બેઠક જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. તેમજ ભાજપના મોવડીમંડળે નવા મુખ્યમંત્રી તરીકે એક વાર ફરી ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી છે.

12 ડિસેમ્બરના રોજ બપોરે 2 કલાકે ગાંધીનગર હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનો શપથવિધિ કાર્યક્રમ યોજવવા જઈ રહ્યો છે.






































































