Aam panna Recipe : કાળઝાળ ગરમીમાં ખાટો-મીઠો કેરીનો બાફલો બનાવો, આ રહી સરળ રેસિપી
ઉનાળાની શરુઆતમાં જ બજારમાં કાચી કેરી મળવાની શરુ થઈ જાય છે. આપણે કેરીમાંથી શાનદાર અને સ્વાદિષ્ટ પીણા પણ બનાવી શકીયે છીએ. કેરીમાંથી બનાવવામાં આવતા પીણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે તમે ઘરે કાચી કેરીનો બાફલો બનાવી શકો છો. ઘરે બાફલો બનાવવો ખૂબ જ સરળ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, વિટામિન B-1 અને B-2, વિટામિન C, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલેટ, કોલિન અને પેક્ટીન જેવા ઘણા ગુણો હોવાના કારણે તેનું સેવન લાભકારક છે.

કેરીનો બાફલો બનાવવા માટે કાચી કેરી, એક લિટર પાણી, ખાંડ, ઝીણા સમારેલા ફૂદીનાના પાન, કાળું મીઠું, શેકેલું જીરુ, મીઠું સહિતની વસ્તુઓની જરુર પડશે.

હવે કેરીનો બાફલો બનાવવા માટે સૌથી પહેલા કાચી કેરીને ધોઈને પ્રેશર કૂકરમાં નાખી 2 સીટી વગાડી લો. ત્યારબાદ કેરીને ઠંડી થવા દઈ પાણીમાં સારી રીતે મેશ કરી તેની છાલ અને ગોટલીને અલગ કરી લો. હવે તેમાં એક લિટર પાણીમાં ખાંડ ઓગાળી લો.

ખાંડ અથવા ગોળ ઓગળી જાય ત્યારબાદ તેમાં જીરું પાઉડર, કાળું મીઠું અને શેકેલું જીરુ ઉમેરો. આ સાથે ફુદીનાનો પાઉડર પણ ઉમેરો. જો તમારા પાસે ફુદીનાનો પાઉડર ના હોય તો તમે ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો.

આ પછી આ પાણીમાં કેરીનો પલ્પ અને તેનું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ બાફલાને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો. કેરીનો બાફલો તૈયાર છે તેને સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
