અમદાવાદ અને ગાંધીનગરની 28 હોટલોને દારૂ વેચવાની મંજૂરી: ગુજરાત સરકાર
રાજ્ય સરકારે જણાવ્યું કે ફેબ્રુઆરી 2023 થી જાન્યુઆરી 2024 સુધી દારૂ વેચાણમાંથી 14.45 કરોડ રૂપિયાની આવક થઇ હતી.


ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે, રાજ્યમાં દારૂ વેચાણના પરમિટ ધરાવતા હોટલોની સંખ્યા વધતી જ રહી છે. ગુજરાત રાજ્ય સરકારે વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કેઅમદાવાદ શહેરમાં હાલ 20 અને ગાંધીનગર શહેરમાં 4 હોટલોને દારૂ વેચવાની પરવાનગી અપાઈ છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં અમદાવાદમાં 2 અને ગાંધીનગરમાં 2 હોટલો પાસે પરમિટ છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા બે વર્ષમાં કોઈ પણ હોટલના પરમિટ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.

રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2023 થી જાન્યુઆરી 2024 સુધી દારૂ વેચાણમાંથી 14.45 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે તાજેતરમાં ફેબ્રુઆરી 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન આવક વધીને 19.53 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમ, દારૂ વેચાણમાંથી મળતી કર આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

રાજ્યમાં દારૂ આરોગ્ય પરમિટની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં આ સંખ્યા 3.5% વધી છે અને કુલ 45,000 પરમિટ ધારકો નોંધાયા છે. દારૂ પરમિટ મેળવવા માટે રૂ. 4,000ના ખર્ચ સાથે આરોગ્ય તપાસ અને અરજીની પ્રક્રિયા છે, જ્યારે દર વર્ષે રૂ. 2,000ની રિન્યુઅલ ફી ચૂકવવી પડે છે.

જોકે, દારૂ પરમિટ અને વેચાણની સાથે રાજ્યમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ પણ વધી રહ્યા છે. તાજેતરમાં રજૂ કરાયેલા વિધાનસભાના રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં દારૂ પી વાહન ચલાવવાના કુલ 27,495 કેસ નોંધાયા હતા. જે પહેલાંના વર્ષ 2021-22ના 13,153 કેસની તુલનામાં બમણો ઉછાળો દર્શાવે છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આવા આંકડા ચિંતાજનક ગણાઈ રહ્યા છે. આમ છતાં સરકાર દ્વારા દારૂ પરમિટની નીતિઓમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

































































