Travel With Tv9 : વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા વડોદરામાં કરો વન ડે ટ્રીપ, આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં
ઉનાળા વેકેશનમાં મોટા ભાગના લોકો બહાર ફરવા જતા હોય છે. ત્યારે તમે પણ આ વેકેશનમાં સંસ્કારી નગરી એવા વડોદરાની મુલાકાત લેવાનું વિચારી રહ્યાં છો તો આ શહેરમાં આવેલા કેટલાક સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.


વડોદરામાં તમે ફરવા માટે જઈ રહ્યાં છો ત્યારે તમારે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1890માં બાંધવામાં આવેલો છે. આ એક સુંદર અને વિશાળ મહેલ છે. રાજવી પરિવાર આ જ મહેલમાં વર્તમાનમાં પણ રહે છે.

EME મંદિરની મુલાકાત પણ તમારે અવશ્ય લેવી જોઈએ. આ મંદિર દક્ષિણામૂર્તિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું સંચાલન ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યું છે.

મકરપુરા પેલેસની પણ મુલાકાત અવશ્ય લેવી જોઈએ. મકરપુરા પેલેસ 1870માં ગાયકવાડના રાજવી પરિવાર માટે બનાવવામાં આવ્યો હતો. જેને સમર પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વડોદરામાં આવેલું સયાજી ગાર્ડનની મુલાકાત પણ લઈ શકો છો. સયાજી ગાર્ડન 100 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. સરદાર પટેલ પ્લેનેટોરિયમ, વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, એક ટોય ટ્રેન, એક પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમ અને 98થી વધુ વિવિધ પ્રજાતિના વૃક્ષોની ઉપલબ્ધી આ બગીચાને વડોદરાના સૌથી આકર્ષક પર્યટન સ્થળોથી એક બનાવે છે.

આજવા - નિમેટા ડેમ ગાર્ડનમાં ઊંચા-ઊંચા તાડના વૃક્ષો અને સાંજના સમયે મંત્રમુગ્ધ કરી દેનાર લાઈટ શૉ સાથે ખૂબ જ સુંદર લાગે છે. 130 એકરના આ ગાર્ડનની ડિઝાઇન મૈસુરના વૃંદાવન ગાર્ડનથી પ્રેરિત છે. આ ગાર્ડનનું મુખ્ય આકર્ષણ એક લાઈનમાં ગોઠવાયેલા મ્યુઝિકલ ફાઉન્ટેન્સ છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































