1500 દર્શનાર્થીની ભીડ, ફટાકડાના જથ્થામાં તિખારાએ સર્જયો તરખાટ, જુઓ કેરળ અકસ્માતની દર્દનાક તસવીરો
કેરળના કાસરગોડ મંદિર અકસ્માતમાં 150 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8ની હાલત અત્યંત ગંભીર છે. ફટાકડાના જથ્થામાં તીખારાને કારણે આગ લાગવાથી આ અકસ્માત થયો હતો. પરંતુ કેવી રીતે અને કોની બેદરકારીને કારણે આ અકસ્માત થયો ? આ મામલામાં પોલીસે મંદિરના પ્રમુખ અને સેક્રેટરી સહિત 8 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.


કેરળના કાસરગોડ જિલ્લો… ગઈકાલ સોમવારની મધ્યરાત્રીએ અહીં નિલેશ્વરમના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં વાર્ષિક કાલિયટ્ટમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. અહીં 1500 થી વધુ લોકો એકઠા થયા હતા. તેને કેરળ ટેમ્પલ ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે

સાંજે અહીં ફટાકડા ફોડવાની શરૂઆત થઈ હતી. મંદિર પરિસરમાં એક સ્ટોરમાં ઘણા બધા ફટાકડા રાખવામાં આવ્યા હતા, જેથી તેને પાછળથી ફોડી શકાય. એ સમયે, ફટાકડાના સ્ટોર પાસે કેટલાક લોકો ફટાકડા પણ ફોડી રહ્યા હતા. ત્યારબાદ ફટાકડાનો તીખારો સ્ટોરની અંદર રાખવામાં આવેલા ફટાકડા પર પડ્યો હતો. જેના કારણે બાકીના ફટાકડા ફુટવા લાગ્યા હતા.

રાત્રીના સાડા બારનો સમય હતો. જ્યારે એક પછી એક ફટાકડા ફુટવા લાગ્યા ત્યારે સ્ટોરમાં આગ લાગી. સ્ટોરની બહાર ઘણા લોકો હાજર હતા. આ દરમિયાન ત્યાંના લોકો પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. પરંતુ આગની આ ઘટનામાં 150 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બધાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. ચિંતાજનક સ્થિતિને જોતા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ 8 લોકોની હાલત હજુ પણ નાજુક છે. તમામ ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીલેશ્વરમ પોલીસે મંદિર સમિતિના સાત અધિકારીઓ અને રાજેશ નામના ફટાકડાના વેપારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે સ્પષ્ટતા કરી હતી કે ફટાકડા બેદરકારીપૂર્વક રાખવામાં આવ્યા હતા. કાસરગોડના જિલ્લા કલેક્ટર ઈમ્પાશેખરે જણાવ્યું હતું કે ફટાકડાનો સંગ્રહ પરવાનગી વિના કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે. ( તસવીર સૌજન્ય-PTI)

































































