કેરેબિયન દેશ હૈતીમાં( haiti ) બે મહિના પહેલા બંધક બનાવવામાં આવેલા અમેરિકન મિશનરી જૂથના (American missionary group) બાકીના તમામ લોકોને પણ મુક્ત કરવામાં આવ્યા છે. હૈતીની પોલીસ અને ચર્ચ સાથે જોડાયેલા લોકોએ આ જાણકારી આપી હતી. હૈતીના રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા ગેરી ડેસરોઝિયર્સે એસોસિએટેડ પ્રેસને પુષ્ટિ આપી હતી પરંતુ વધુ વિગતો આપી નથી.
ક્રિશ્ચિયન એઇડ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘અમારી પ્રાર્થના સાંભળવા બદલ ભગવાનનો આભાર. બાકીના 12 બંધકો હવે મુક્ત છે. અમારા તમામ 17 લોકો હવે સુરક્ષિત છે.
એક સ્થાનિક માનવાધિકાર સંગઠનના જણાવ્યા અનુસાર, 16 ઓક્ટોબરે મિશનરી જૂથના સભ્યોનું ‘400 માવજો’ ગેંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ જૂથમાં કુલ 17 લોકો હતા, જેમાંથી 16 અમેરિકન અને એક કેનેડિયન નાગરિક હતો. આ જૂથમાં પાંચ બાળકો પણ સામેલ હતા જેમાંથી એક આઠ મહિનાનો હતો. જૂથના વાહનના ડ્રાઇવરનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું, ડ્રાઇવર હૈતીયન નાગરિક હતો.
ટોળકીએ દસ લાખની માંગણી કરી હતી
જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ગેંગના નેતાએ બંધકોને મારી નાખવાની ધમકી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટોળકી વ્યક્તિ દીઠ 10 લાખ ડોલરની માંગણી કરતી હતી, જોકે તે સ્પષ્ટ નથી થયું કે બાળકો સામેલ હતા કે કેમ. આ સમયે એ પણ સ્પષ્ટ નથી કે આ લોકોને છોડાવવા માટે ખંડણી ચૂકવવામાં આવી હતી કે કેમ. બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. સાંસદ બિલ હુઇઝેન્ગાએ કહ્યું, ‘આજે તે દિવસ છે જેની અમે આશા રાખી રહ્યા હતા અને હાંસલ કરવા માટે સખત મહેનત કરી રહ્યા હતા.’
હૈતીમાં પાવરની ભારે અછત
તે જ સમયે કેરેબિયન દેશ હૈતીના કેપ હૈતીયનમાં મંગળવારે એક ઇંધણ ટેન્કર પલટી ગયું હતું. ઢોળાયેલું તેલ એકત્ર કરવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા. જ્યારે આ લોકો કન્ટેનર ભરી રહ્યા હતા, તે જ સમયે ટેન્કરમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી.આ ઘટનામાં 50 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર હૈતીમાં વીજળીની ભારે અછત છે. તેથી જ લોકો જનરેટર પર વધુ આધાર રાખે છે. તેને બળતણની જરૂર છે. ટેન્કર પલટી ગયા બાદ લોકોને લાગ્યું કે તેઓ અહીંથી મફતમાં તેલ લઈ શકે છે. કમનસીબે એક વિસ્ફોટ થયો હતો અને તે જ સમયે આગ ફાટી નીકળી હતી.
આ પણ વાંચો : Big News: પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવ્યા, જાણો કેવી રીતે ફૂટ્યું હતું પેપર