અમદાવાદ: રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે તપાસ કરવા અને અનમેપ્ડ મદરેસાઓનુ મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે શિક્ષણ વિભાગે DEO અને DPEOને રાજ્યની તમામ 1128 મદરેસાઓનો સર્વે કરવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગને એક પત્ર દ્વારા એવી ફરિયાદ મળી હતી કે મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને અન્ય બાળકોની શાળાનો અભ્યાસ નથી મેળવતા. આ ફરિયાદના પગલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે 7મી મેના રોજ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી મદરેસાઓનો સર્વે કરવા આદેશ આપ્યો છે. આ આદેશ બાદ રાજ્ય શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે અને દરેક જિલ્લા શિક્ષણ અધિકારી અને દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટીમ બનાવીને મદરેસાઓનો સર્વે કરવા સૂચના આપી છે.
આ સર્વે અંતર્ગત રાજ્યમાં આવેલી સરકારી, ગ્રાન્ટેડ, માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેપ્ડ મદરેસાઓનું મેપિંગ કરવા બાબતે સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે રાજ્યમાં કાર્યરત મદરેસાઓની યાદી મેળવી સર્વેની કામગીરી હાથ ધરી છે. રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કરી આજ સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મદરેસામાં ભણતા બાળકો શાળાનો અભ્યાસ ન મેળવતા હોવાની ફરિયાદ મળી હતી. જે RTE ના 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણના કાયદાનો ભંગ છે. આવા બાળકો પણ સામાન્ય શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ કરે તે માટે સર્વેની કામગીરી હાથ ધરાઈ હોવાનું શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે. તદઉપરાંત મદરેસામાં જતા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓની વિગતો પણ સર્વેમાં એકત્ર કરવા માટે આદેશ અપાયો છે. આ કામગીરીને પગલે રાજકીય માહોલ ગરમાય તો નવાઈ નહીં.
આ પણ વાંચો: AMC નો વિચીત્ર નિર્ણય, હવે ચોમાસામાં પાણી ભરાય તો શહેરીજનોએ ગટરના ઢાંકણા જાતે ખોલવા પડશે !- Video
Published On - 1:14 pm, Sat, 18 May 24