દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAએ આત્મઘાતી બોમ્બર યાસીર ડારની કરી ધરપકડ
દિલ્હીના લાલ કિલ્લા ખાતે કરાયેલા આત્મધાતી આતંકી હુમલા કેસમાં NIA એક મોટી કાર્યવાહી કરી છે. NIAએ જમ્મુ કાશ્મીરના શોપિયામાંથી યાસીર અહેમદ ડારની ધરપકડ કરી છે. દિલ્હી લાલકિલ્લા આત્મઘાતી હુમલા કેસમાં આ નવમી ધરપકડ છે. NIAનો દાવો છે કે આત્મઘાતી બોમ્બર યાસીર દિલ્હી પર હુમલો કરવાના કાવતરામાં સક્રિય રીતે સામેલ હતો, તેણે રાજધાનીમાં આત્મઘાતી હુમલો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) એ દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં વધુ એક મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ યાસીર અહેમદ ડાર તરીકે થઈ છે, જે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના શોપિયાન વિસ્તારનો રહેવાસી છે. તેની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
NIAનું કહેવું છે કે, યાસીર પણ સ્યુસાઈડ બોમ્બર છે અને તેણે દિલ્હીમાં આત્મઘાતી હુમલો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 અને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.
બ્લાસ્ટ કાવતરામાં યાસિરની ભૂમિકા
NIA તપાસમાં ખુલાસો થયો છે કે યાસિરે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પાછળના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે કાવતરામાં સક્રિય રીતે સામેલ હતો અને તેણે આત્મઘાતી હુમલો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, યાસિર આ કેસમાં અન્ય આરોપીઓ સાથે સતત સંપર્કમાં રહ્યો હતો, જેમાં વિસ્ફોટના ગુનેગારો, આતંકવાદી ઉમર નબી અને મુફ્તી ઇરફાનનો સમાવેશ થાય છે.
આરોપીઓ અને શંકાસ્પદોના ઠેકાણાઓ પર દરોડા
NIA, કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓ સાથે મળીને, આ સમગ્ર આતંકવાદી ષડયંત્રની સાંકળને તોડી પાડવા માટે કામ કરી રહી છે. આ સંદર્ભમાં, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં ઘણા આરોપીઓ અને શંકાસ્પદોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી ડિજિટલ ઉપકરણો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
અગાઉ હરિયાણાના ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસ અને મુખ્ય આરોપી ડો. મુઝમ્મિલ શકીલ ગની અને ડો. શાહીન સઈદના અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તાજેતરમાં, NIA એ આ કેસના સંદર્ભમાં આરોપી ડો. નાસિર બિલાલ મલ્લાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. એજન્સીએ બિલાલને કોર્ટમાં રજૂ કર્યા પછી અવાજના નમૂના પરીક્ષણ માટે પરવાનગી મેળવી હતી. NIA એ જણાવ્યું હતું કે વધુ તપાસ માટે આરોપી પાસેથી અવાજના નમૂના મેળવવા જરૂરી છે.
આ પણ વાંચોઃ શું દિલ્હી બ્લાસ્ટ બુરહાન વાનીના મૃત્યુનો બદલો લેવા થયો હતો? ડૉ. ઉમર વિશે મોટો ખુલાસો