Bharuch : અંકલેશ્વર નગરપાલિકામાં વિકાસકાર્યોને લઈને વિવાદ, સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે મેદાને પડયા
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે નગરપાલિકામાં રાજકીય તણાવ જોવા મળ્યો છે. વિકાસકાર્યોમાં પાલિકાના ઠરાવ અને બોર્ડની મંજૂરી વિના રસ્તાઓ ખોદવામાં આવ્યા હોવાના સાશક સત્તાધીશો સામે આક્ષેપ થયા છે.
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે નગરપાલિકામાં રાજકીય તણાવ જોવા મળ્યો છે. વિકાસકાર્યોમાં પાલિકાના ઠરાવ અને બોર્ડની મંજૂરી વિના રસ્તાઓ ખોદવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપના નગર સેવક અને પૂર્વ પાલિકા પ્રમુખ સંદીપ પટેલ સાથે સાથે કોંગ્રેસના વિપક્ષી નેતા જહાંગીર પઠાણેએ વિરોધ નોંધાવ્યો છે.
ભાજપના નગર સેવક તથા પૂર્વ પાલિકા પ્રમુખ સંદીપ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અંકલેશ્વર નગરમાં એક તરફ મુખ્ય રસ્તાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ પ્રજાની મુશ્કેલીઓની કોઈ ચિંતા કર્યા વગર વૈકલ્પિક રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. યોગ્ય આયોજન વગર કરાયેલા આવા કામોથી નાગરિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
સંદીપ પટેલ સૂરમાં સુર મિલાવતા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ આ મુદ્દે પાલિકા પ્રમુખ લલિત રાજપુરોહિત પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમનો કાર્યકાળ પૂર્ણ થવા આડે થોડો જ સમય બાકી છે ત્યારે ઉતાવળે કામ આટોપી લેવાની પાછળ સત્તાધીશોનો શું હિત છુપાયેલો છે તે પ્રશ્ન ઉભો થાય છે. બોર્ડની મંજૂરી વગર વિકાસના નામે કરવામાં આવેલા કામોની તપાસ થવી જોઈએ.
આ સમગ્ર વિવાદ વચ્ચે નોંધપાત્ર વાત એ છે કે, નગરપાલિકા પ્રમુખ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરિણામે નગરમાં ચર્ચાઓ ગરમાઈ છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ઘમાસાણ સર્જાવાની શક્યતા વર્તાઈ રહી છે.
