Breaking News : ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનાટીભર્યો નિર્ણય, વિશ્વમાં ખળભળાટ, ભારતને પણ અસર થવાની આશંકા
ડોનાલ્ડ ટ્રમ્પે તાઈવાન સાથે $11.1 અબજના શસ્ત્ર સોદાને મંજૂરી આપી છે, જે અમેરિકા-ચીન સંબંધોમાં તણાવ વધારશે. ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે, જેથી આ નિર્ણય વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધારશે અને એશિયાઈ ખંડમાં સંઘર્ષની શક્યતા ઊભી કરશે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક સનસનાટી ભર્યો નિર્ણય લઈને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ નિર્ણય માત્ર વૈશ્વિક રાજકારણમાં ઉથલપાથલ લાવનારો નથી, પરંતુ તેની અસર ભારત પર પણ પડવાની શક્યતા છે. હાલ વૈશ્વિક સ્તરે તણાવની સ્થિતિ યથાવત છે અને તેમાં આ નિર્ણય વધુ ચિંતા ઊભી કરે છે.
હાલમાં એશિયાઈ ખંડમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. ચીન અને જાપાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, જ્યારે રશિયા ખુલ્લેઆમ ચીનના સમર્થનમાં આગળ આવ્યું છે. થોડા દિવસો પહેલા ચીન અને રશિયાના ફાઇટર જેટ્સે સંયુક્ત પેટ્રોલિંગ કર્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ જાપાનના સમર્થનમાં પોતાના બોમ્બર વિમાનો તૈનાત કર્યા હતા. બીજી તરફ, અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ પણ ચાલુ છે.
તાઇવાન પર ચીનનો અધિકાર !
આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે અમેરિકાએ ચીન સામે વધુ કડક વલણ અપનાવ્યું છે. ચીન લાંબા સમયથી તાઇવાન પર પોતાનો અધિકાર હોવાનું દાવો કરે છે અને જે કોઈ દેશ તાઇવાનને સમર્થન આપે છે તેની સામે આક્રમક વલણ અપનાવે છે. અગાઉ જાપાનના વડાપ્રધાન દ્વારા તાઇવાનના સમર્થનમાં આપેલા નિવેદન બાદ ચીન અને જાપાન વચ્ચે તણાવ વધી ગયો હતો.
હવે આ જ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે તાઇવાન સાથે 11.1 અબજ ડોલરના શસ્ત્ર સોદાને સીધી મંજૂરી આપી છે. આ સોદો તાઇવાન માટે અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો શસ્ત્ર પેકેજ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો પહેલાથી જ અત્યંત તણાવપૂર્ણ છે.
એશિયાઈ ખંડમાં અસ્થિરતા વધવાની પૂરી શક્યતા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ શસ્ત્ર સોદાને લઈને સત્તાવાર જાહેરાત કરી છે. આ પેકેજમાં કુલ આઠ પ્રકારના અતિ આધુનિક અને ખતરનાક શસ્ત્રોનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધુ વધી શકે છે અને એશિયાઈ ખંડમાં અસ્થિરતા વધવાની પૂરી શક્યતા છે.
જો ભવિષ્યમાં ચીન અને અમેરિકા વચ્ચે સીધો સંઘર્ષ થાય છે, તો તેની અસર ભારત પર પણ પડી શકે છે, કારણ કે ચીન ભારતનો સીધો પડોશી દેશ છે. ઉપરાંત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી આસપાસની પરિસ્થિતિ પહેલેથી જ અસ્થિર છે. આવી સ્થિતિમાં વૈશ્વિક તણાવ ભારત માટે પણ મોટો પડકાર બની શકે છે.
