EPFO નો મોટો નિર્ણય, નોકરી બદલનારાઓ માટે ખુશખબર, પરિવારને પણ મળશે આ લાભ
EPFO એ નોકરી બદલનારા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શનિવાર, રવિવાર કે રજાઓને લઈ મહત્વની વાત સામે આવી છે.

કામ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે ખાસ કરીને નોકરી બદલનારાઓ માટે મોટી રાહત લાવશે. આ નિર્ણયથી સર્વિસ બ્રેકને લઈને ઊભી થતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને નોમિનીઓને પણ સીધો લાભ મળશે.

EPFO દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર અનુસાર, જો કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાય છે અને વચ્ચે માત્ર શનિવાર, રવિવાર અથવા જાહેર રજાઓ આવે છે, તો તેને હવે સર્વિસ બ્રેક ગણવામાં નહીં આવે. અગાઉ આવી પરિસ્થિતિઓમાં તેને સર્વિસ બ્રેક માનવામાં આવતી હતી, જેના કારણે કર્મચારીઓના પરિવારને વીમા અને પેન્શન લાભોમાં અડચણો આવતી હતી.

EPFO એ સ્પષ્ટ કર્યું છે કે અનેક કિસ્સાઓમાં કર્મચારીના મૃત્યુ બાદ તેમના પરિવારના કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા અથવા ઓછું વળતર આપવામાં આવ્યું હતું. કારણ કે અધિકારીઓએ સેવા સમયગાળાની ખોટી ગણતરી કરી હતી. આ પ્રકારની વિસંગતતાઓ દૂર કરવા માટે EPFO એ આ નવો પરિપત્ર જાહેર કર્યો છે.

નવા નિયમ અનુસાર, જો એક નોકરીના અંત અને બીજી નોકરીની શરૂઆત વચ્ચેનો સમયગાળો ફક્ત સાપ્તાહિક રજાઓ, રાષ્ટ્રીય રજાઓ, ગેઝેટેડ રજાઓ, રાજ્ય રજાઓ અથવા પ્રતિબંધિત રજાઓનો જ હોય, તો તેને સતત સેવા માનવામાં આવશે. વધુમાં, EPFO એ સ્પષ્ટતા કરી છે કે નોકરી બદલતી વખતે જો 60 દિવસ સુધીનો તફાવત હોય તો પણ સેવાને સતત ગણવામાં આવશે.

EPFO એ EDLI યોજના હેઠળ લઘુત્તમ ચુકવણીમાં પણ વધારો કર્યો છે. હવે કર્મચારીના નોમિની અથવા કાનૂની વારસદારને ઓછામાં ઓછા ₹50,000 મળશે, ભલે કર્મચારીએ 12 મહિનાની સતત સેવા પૂર્ણ ન કરી હોય. કર્મચારીના PF ખાતામાં સરેરાશ બેલેન્સ ₹50,000થી ઓછું હોય ત્યારે પણ આ લાભ મળશે.

નવો નિયમ એવા કિસ્સાઓમાં પણ લાગુ પડશે જ્યાં કર્મચારીનું મૃત્યુ તેમના છેલ્લા PF યોગદાનના છ મહિનાની અંદર થયું હોય, જો કર્મચારી હજુ પણ નોકરીદાતાના રેકોર્ડમાં નોંધાયેલ હોય. આ નિર્ણયથી હવે પરિવારજનોને વીમા દાવા માટે લાંબી કાનૂની પ્રક્રિયા કે વિવાદોનો સામનો કરવો પડશે નહીં.
અધવચ્ચેથી PF ઉપાડ્યું છે ? તો તમારા વ્યાજની ગણતરી કેવી રીતે થશે
