ખેડૂતો માટે રાહત : સરકાર હવે ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે, નવી ખરીદી કિંમત અમલમાં

ડુંગળી ઉત્પાદક ખેડૂતોને વધુ સારું વળતર મળે તે માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બફર સ્ટોક માટે ખરીદવામાં આવતી ડુંગળીની લઘુત્તમ ગેરંટીકૃત ખરીદી કિંમત (MGPP) વધારીને હવે રૂપિયા 16.50 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે. અગાઉ આ ભાવ રૂપિયા 15.80 પ્રતિ કિલોગ્રામ હતો. સુધારેલો દર 13 જૂન, 2026થી અમલમાં આવ્યો છે.

ખેડૂતો માટે રાહત : સરકાર હવે ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે, નવી ખરીદી કિંમત અમલમાં
| Edited By: | Updated on: Jun 14, 2026 | 9:49 AM

ખેડૂતોને વધુ આવક મળે તે માટે નિર્ણય

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ડુંગળી ખરીદી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્તમાન બજાર ભાવ અને સંગ્રહ માટે જરૂરી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ડુંગળીની ખરીદી કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1,650 નક્કી કરવામાં આવી છે, જેનો સીધો અર્થ રૂપિયા 16.50 પ્રતિ કિલોગ્રામ થાય છે.

મહારાષ્ટ્રના ખેડૂતોની શું હતી માંગ?

મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતો લાંબા સમયથી વધુ ખરીદી કિંમતની માંગ કરી રહ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે NAFED અને NCCF દ્વારા આપવામાં આવતો આશરે રૂપિયા 1,580 પ્રતિ ક્વિન્ટલનો દર ઉત્પાદન ખર્ચ અને બજારની અપેક્ષાઓની સરખામણીએ ઓછો હતો.

ખેડૂતોની માંગ હતી કે સરકાર ઓછામાં ઓછો રૂપિયા 3,000 પ્રતિ ક્વિન્ટલ ( રૂપિયા 30 પ્રતિ કિલોગ્રામ) ખરીદી ભાવ જાહેર કરે. જોકે સરકારે હાલ ખરીદી કિંમત વધારીને ₹1,650 પ્રતિ ક્વિન્ટલ કરી છે.

સરકાર ડુંગળીની ખરીદી શા માટે કરે છે?

સરકાર દર વર્ષે બફર સ્ટોક બનાવવા માટે ડુંગળીની ખરીદી કરે છે. જ્યારે બજારમાં ડુંગળીના ભાવમાં અચાનક વધારો થાય ત્યારે આ સ્ટોક બજારમાં મુક્ત કરવામાં આવે છે, જેથી ગ્રાહકોને રાહત મળે અને ભાવ નિયંત્રણમાં રહે. સાથે જ ખેડૂતોને તેમના પાક માટે વાજબી ભાવ મળે તે પણ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ડુંગળી ઉત્પાદનનો અંદાજ

સરકારી આંકડા મુજબ, 2025-26 પાક વર્ષ દરમિયાન દેશનું ડુંગળી ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે અગાઉના 2024-25 પાક વર્ષમાં 307.67 લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું. એટલે કે ઉત્પાદન લગભગ સ્થિર રહેવાની શક્યતા છે.

વડોદરા: ખેડૂતોનો હલ્લાબોલ! જૂના ઠરાવ મુજબ ખરીદી કરવાની ઉગ્ર માગ, નાયબ કલેકટરને આપ્યું આવેદન – જુઓ Video

Follow Us