ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ: ગોલ્ડ મેડલમાં કેટલું સોનું હોય છે? જાણો ક્યાં બન્યા છે આ વખતના મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2026માં અપાતા ગોલ્ડ મેડલ શું ખરેખર પૂરેપૂરા સોનાના હોય છે? જાણો આ મેડલમાં વપરાતા સોનાના પ્રમાણ, તેના નિર્માણ અને કિંમત વિશેની તમામ રસપ્રદ વિગતો.

સ્કોટલેન્ડની રાજધાની ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન થવા જઈ રહ્યું છે. 70થી વધુ દેશોના 3000થી વધુ એથ્લેટ્સ આ રમતોત્સવમાં ભાગ લેવા ગ્લાસગો પહોંચી રહ્યા છે. આ વખતે રમતોની સંખ્યા ભલે ઓછી કરીને 10 કરી દેવામાં આવી હોય, પરંતુ દરેક મેડલનું મહત્વ એથ્લેટ્સ માટે અનન્ય હોય છે. ખાસ કરીને ગોલ્ડ મેડલ જીતવો એ દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જે ગોલ્ડ મેડલ માટે ખેલાડીઓ વર્ષો સુધી સખત પરિશ્રમ કરે છે, તે પૂરેપૂરો સોનાનો બનેલો નથી હોતો?

શું ગોલ્ડ મેડલ ખરેખર સોનાનો હોય છે? કોમનવેલ્થ, એશિયન કે ઓલિમ્પિક્સ જેવી રમતગમતની મોટી સ્પર્ધાઓમાં આપવામાં આવતા ગોલ્ડ મેડલમાં અસલી સોનાનો ઉપયોગ ચોક્કસ થાય છે. પરંતુ આખો મેડલ સોનાનો બનાવવામાં આવતો નથી. મેડલનો 92.5 ટકા હિસ્સો સ્ટર્લિંગ સિલ્વર એટલે કે એક ખાસ પ્રકારની ચાંદીથી બનેલો હોય છે અને તેમાં ઓછામાં ઓછું 6 ગ્રામ અસલી સોનાનો ઉપયોગ થાય છે.

પૂરેપૂરા સોનાનો મેડલ ન બનાવવા પાછળનું કારણ એ છે કે શુદ્ધ સોનું ખૂબ જ નરમ હોય છે, જેના કારણે મેડલનો આકાર બગડી જવાનો ભય રહે છે. જ્યારે ચાંદીના કારણે મેડલ મજબૂત અને નક્કર રહે છે. ચાંદીના મેડલ પર શુદ્ધ સોનાનું પ્લેટિંગ ચડાવવામાં આવે છે, જેથી તેમાં સોનાની ચમક પણ રહે છે અને આકાર પણ જળવાઈ રહે છે. બીજી તરફ, સિલ્વર મેડલ સંપૂર્ણપણે સ્ટર્લિંગ સિલ્વરનો અને બ્રોન્ઝ મેડલ સંપૂર્ણપણે કાંસાનો બને છે.

ગ્લાસગો ગેમ્સના મેડલ ક્યાં અને કોણે બનાવ્યા? ગોલ્ડ મેડલ બનાવવા માટે સામાન્ય રીતે 1 થી 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે, જોકે આ કિંમત તે સમયે સોના-ચાંદીના બજાર ભાવ અને મેડલના વજન પર આધાર રાખે છે.

ગ્લાસગો 2026 ગેમ્સ માટેના મેડલની ડિઝાઈન ગ્લાસગોના જ નિવાસી ડિઝાઈનર મિલિત્સા મિલેન્કોવા દ્વારા તૈયાર કરવામાં આવી છે, જ્યારે તેનું નિર્માણ ઈંગ્લેન્ડના બર્મિંગહામ સ્થિત ક્રાફ્ટ એજન્સી ટ્રે, કેનિંગ એન્ડ સ્પેન્સર દ્વારા કરવામાં આવ્યું છે.
Commonwealth Games 2026 : ભારતીય ટીમમાં મહિલા ખેલાડીઓની સંખ્યામાં મોટો ઘટાડો, આંકડો ચોંકાવી દેશે
