શું ‘સોનું’ ₹1 લાખ સુધી પટકાશે ? નિષ્ણાતોએ કર્યો ‘મોટો ખુલાસો’, સમજો બજારનું ‘અસલી ગણિત’
હાલમાં સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે, જેને કારણે ઘણા ખરીદદારો અને રોકાણકારો ભાવ ઘટે તેની રાહ જોઈને બેઠા છે. હવે આ બધા વચ્ચે સવાલ એ જ છે કે, શું ખરેખર 'સોનું' સસ્તું થશે કે પછી ભાવ હજુ નવા રેકોર્ડ બનાવશે? શું સોનું ફરીથી રૂ. 1 લાખ સુધી ઘટી શકે છે?

સોનાના ભાવમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. જો કે, વર્ષની શરૂઆતમાં સોનાના ભાવમાં વધારે જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં ઘણા ખરીદદારો અને રોકાણકારો એ રાહ જોઈ રહ્યા છે કે, ભાવ નીચે આવે અને તેઓ સસ્તા ભાવે 'સોનું' ખરીદી શકે. હવે આ બધા વચ્ચે નિષ્ણાતોનું કહેવું છે કે, સોના માટે નીચલું સ્તર નક્કી કરવું સરળ નથી અને માત્ર ઘટાડાની રાહ જોવી એ હંમેશા યોગ્ય રણનીતિ ન હોઈ શકે.

ભારતમાં એપ્રિલ 2025 સુધી સોનાના ભાવ ક્યારેય પણ પ્રતિ 10 ગ્રામ રૂ. 1 લાખના સ્તરથી ઉપર ગયા ન હતા. 24 જુલાઈએ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ. 1.43 લાખની આસપાસ પહોંચી ગયો હતો. આટલી તેજી પછી હવે સૌથી મોટો સવાલ એ જ છે કે, શું સોનું ફરીથી રૂ. 1 લાખ સુધી ઘટી શકે છે?

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, વર્તમાન સંજોગોમાં સોનાના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. સેન્ટ્રલ બેંકોની સતત ખરીદી સોનાના ભાવને મજબૂતી આપી રહી છે અને તે બજારમાં એક સપોર્ટ લેવલ બનાવી રહી છે. ઓગમોન્ટના હેડ ઓફ રિસર્ચ રેનિશા ચૈનાનીના જણાવ્યા અનુસાર, સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1 લાખ સુધી ઘટવો એ હાલમાં ખૂબ જ નહિવત શક્યતા ધરાવે છે. આને સામાન્ય અંદાજના બદલે માત્ર એક જોખમી સ્થિતિ તરીકે જોવું જોઈએ. તેમનું કહેવું છે કે, વર્ષ 2026 માં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.4 લાખથી 1.5 લાખની ઉપર જળવાઈ રહેવાની આશા છે. જો કે, શોર્ટ-ટર્મમાં 5 થી 15 ટકા સુધીનો ઘટાડો સામાન્ય અને સારી બાબત બની શકે છે પરંતુ તેને ક્રેશ કહી શકાય નહીં.

નિષ્ણાતોના મતે, સોનામાં મોટા ઘટાડા માટે કેટલાક મોટા આર્થિક કારણો જવાબદાર હોઈ શકે છે. સોનાના ભાવ પર યુએસ ડોલરની સીધી અસર પડે છે. જો ડોલર મજબૂત થાય છે, તો સોનાની માંગ નબળી પડી શકે છે અને ભાવમાં ઘટાડો આવી શકે છે. જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને લાંબા સમય સુધી ઊંચા રાખે છે, તો રોકાણકારો સોનાની જગ્યાએ અન્ય વિકલ્પો તરફ વળી શકે છે.

યુદ્ધ અને રાજકીય અસ્થિરતાના સમયે રોકાણકારો સોનાને સલામત રોકાણ માને છે. જો વિશ્વભરમાં તણાવ ઓછો થાય છે, તો સલામત રોકાણ તરીકે સોનાની માંગ ઘટી શકે છે. ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો સોનાની ખરીદી વધારી રહી છે. જો આ ખરીદી ધીમી પડે તો ભાવ પર દબાણ આવી શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, સોનામાં રોકાણ કરતી વખતે ભાવના સાવ નીચલા સ્તરની રાહ જોવી જોખમી બની શકે છે. બજારનું સાચું નીચલું સ્તર ઓળખવું મુશ્કેલ હોય છે.

બોનાન્ઝાના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ નિરપેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, સોનામાં 10 થી 20 ટકા સુધીનો ઘટાડો પહેલા પણ સામાન્ય રહ્યો છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, રોકાણકારોએ એકસાથે મોટી રકમ રોકવાને બદલે ધીમે-ધીમે રોકાણ કરવું જોઈએ. બજારના સમાચારના આધારે ગભરાઈને ખરીદી કે વેચાણ કરવાનું ટાળવું વધુ સારું છે.

લાંબાગાળાના રોકાણકારો માટે સોનું પોર્ટફોલિયોમાં ડાઇવર્સિફિકેશન લાવવાનું એક માધ્યમ બની શકે છે, જ્યારે ટૂંકાગાળા માટે રોકાણ કરનારાઓએ ભાવમાં ઉતાર-ચઢાવ માટે તૈયાર રહેવું જોઈએ. હાલમાં એક્સપર્ટ્સનો અભિપ્રાય છે કે, સોનામાં મોટા ઘટાડા માટે મજબૂત આર્થિક ફેરફારો જરૂરી બનશે. તેથી માત્ર રૂ. 1 લાખ સુધી ઘટવાની આશામાં ખરીદી મુલતવી રાખવી એ દરેક રોકાણકાર માટે યોગ્ય નિર્ણય ન હોઈ શકે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
કરોડોનો ઓર્ડર મળ્યો! આ શેરમાં એક્સપર્ટે આપ્યું ‘BUY’ સિગ્નલ, 75% જેટલું રિટર્ન મળવાની શક્યતા
