RBIએ વધુ એક બેંક પર મૂક્યો પ્રતિબંધ, કસ્ટમર્સ નહીં ઉપાડી શકે 1000 રૂપિયાથી વધુ રોકડ
લક્ષ્મી સહકારી બેંક પર 12 નવેમ્બર, 2021 ના રોજ કામકાજના કલાકો બંધ થયા પછી છ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે.
ભારતીય રિઝર્વ બેંકે ( Reserve Bank of India) લક્ષ્મી સહકારી બેંક લિમિટેડ (Lakshmi Sahakari Bank Ltd.) સોલાપુર પર ઘણા નિયંત્રણો મૂક્યા છે. કેન્દ્રીય બેંકે બેંકની કથળતી નાણાકીય સ્થિતિને જોતા આ પગલું ભર્યું છે. બેંકના ગ્રાહકો માટે તેમના ખાતામાંથી ઉપાડની મર્યાદા 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રિઝર્વ બેંકે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (Banking Regulation Act, 1949) હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો 12 નવેમ્બર, 2021 ના રોજ કામકાજના કલાકો બંધ થયા પછી છ મહિના સુધી અમલમાં રહેશે. આ દરમિયાન પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે.
રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર, લક્ષ્મી સહકારી બેંક કેન્દ્રીય બેંકની પરવાનગી વગર ન તો કોઈ લોન આપી શકશે કે ન તો લોન રિન્યુ કરી શકશે. ઉપરાંત, બેંક ન તો કોઈ રોકાણ કરશે કે ન તો કોઈ ચુકવણી કરશે કે ચૂકવણી માટે સંમતિ આપશે.
બે નવી યોજનાઓ શરૂ કરી
આ તરફ ભારતીય રિઝર્વ બેંકે બે નવી યોજનાઓ શરૂ કરી છે. તેમાં રીટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઇન્ટરનલ ઓમ્બડ્સમેન સ્કીમનો સમાવેશ થાય છે. આ યોજનાથી રોકાણકારો અને ગ્રાહકોને ફાયદો થશે.
ગુરુવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમનો હેતુ રિટેલ રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ આપવાનો છે. આનાથી, રોકાણકારો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સિક્યોરિટીઝમાં સીધું રોકાણ કરી શકે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, રોકાણકારો આરબીઆઈ સાથે મફતમાં સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ ખોલી અને જાળવી શકે છે.
ફરિયાદના તમામ વિકલ્પો એક પ્લેટફોર્મ પર
રિઝર્વ બેંકની ઇન્ટરનલ ઓમ્બડ્સમેન સ્કીમનો હેતુ કેન્દ્રીય બેંકો દ્વારા નિયંત્રિત સંસ્થાઓ સામે ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે સિસ્ટમમાં વધુ સુધારો કરવાનો છે. પીએમઓએ જણાવ્યું હતું કે યોજનાની કેન્દ્રીય થીમ વન નેશન વન ઓમ્બડ્સમેન પર આધારિત છે, જેમાં ગ્રાહકો માટે ફરિયાદો નોંધાવવા માટે એક પોર્ટલ, એક ઇમેઇલ સરનામું અને પોસ્ટલ સરનામું હશે.
ફેબ્રુઆરીની નાણાકીય સમીક્ષામાં આ જાહેરાત કરવામાં આવી હતી
RBIના ગવર્નર શક્તિકાંતા દાસે સૌપ્રથમ ફેબ્રુઆરીની નાણાકીય સમીક્ષામાં આની જાહેરાત કરી હતી. તેમણે આને મુખ્ય માળખાકીય સુધારો ગણાવ્યો હતો. જુલાઈમાં, કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે રોકાણકારોને પ્રાથમિક હરાજીમાં બોલી લગાવનાર સુધી એક્સેસ મળશે. આ સાથે જ રોકાણકારો કેન્દ્રીય બેન્કના સરકારી સિક્યોરિટીઝ માટે ટ્રેડિંગ પ્લેટફોર્મમાં પણ કામ કરી શકે છે, જેને નેગોશિયેટેડ ડીલિંગ સિસ્ટમ-ઓર્ડર મેચિંગ સેગમેન્ટ અથવા NDS-OM કહેવાય છે.
આ પણ વાંચો : કામની વાત: RTGS શું છે, કેટલા સમયમાં પૈસા પહોંચે છે, કેટલો ચાર્જ થાય છે, જાણો સમગ્ર માહિતી