કાતિલ ઠંડી છતાં કેલિફોર્નિયાના જંગલોમાં કેવી રીતે લાગી આગ ? આ છે કારણ
કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગવી સામાન્ય બાબત છે, પરંતુ આ વખતે ભયંકર આગ લાગી છે અને આશ્ચર્યજનક વાત એ છે કે તે ઠંડીની ઋતુમાં લાગી છે, સામાન્ય રીતે શિયાળામાં આગની ઘટનાઓ બનતી નથી. તો કેલિફોર્નિયાનું લોસ એન્જલસ અત્યારે કેમ સળગી રહ્યું છે અને આ આગ આટલી વિનાશક કેમ છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલો છેલ્લા કેટલાક દિવસથી આગની ઝપેટમાં છે. આ આગમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 30 લોકો લાપતા છે અને સેંકડો ઘરો બળીને રાખ થઈ ગયા છે. આ આગ હજુ પણ કાબુ બહાર છે. લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે અને હોલીવુડ હિલ્સ જેવા પોશ વિસ્તારોમાં કેટલાક સેલિબ્રિટીના ઘરો પણ બળીને ખાક થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 90 હજાર લોકોને ઇમરજન્સી શહેર છોડવાની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ આગાહી કરતા ઓછી હતી જેના કારણે બચાવ ટીમોને આગ પર કાબુ મેળવવામાં ઘણી મદદ મળી રહી છે. હાલમાં પેલિસેડ્સ અને ઇટન સિવાયના વિસ્તારોમાં આગ લગભગ કાબુમાં આવી ગઈ છે. અત્યાર સુધીમાં આગમાં 12 હજારથી વધુ ઇમારતો બળીને ખાક થઈ છે, જ્યારે 40 હજાર એકર વિસ્તાર રાખમાં ફેરવાઈ ગયો છે. ...
