મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ- ઉતરાયણ એ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે. નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે, આ દિવસે ખાસ ખીચડી તૈયાર કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14-15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 2014માં 15 જાન્યુઆરીએ રાત્રે 2:43 વાગ્યે, સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. પરંતુ આ બધામાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય ભગવાન દર મહિને તેમની રાશિ બદલી નાખે છે. પરંતુ જ્યારે તેઓ મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ શુભ યોગને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.