Gandhinagar : સાંતેજની એક ફેકટરીમાં કર્મચારીઓને બંધક બનાવી લાખો રુપિયાના કોપરના વાયરની લૂંટ
લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી અને કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. માલ ભરવા આઈસર ટ્રક ભાડે રાખ્યો હતો. આરોપીઓએ પોતાના નામ પણ બદલી નાખ્યા અને કાચા માર્ગ પરથી ચોરીનો માલ અન્ય ગોડાઉનમાં પહોચાડ્યો હોવાની ઘટના સામે આવી હતી.
લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી અને કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. માલ ભરવા આઈસર ટ્રક ભાડે રાખ્યો હતો. આરોપીઓએ પોતાના નામ પણ બદલી નાખ્યા અને કાચા માર્ગ પરથી ચોરીનો માલ અન્ય ગોડાઉનમાં પહોચાડ્યો હોવાની ઘટના સામે આવી હતી.
રાજ્યમાં અવારનવાર ચોરી અને લૂંટની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં લૂંટ અને ધાડની ઘટના બની હતી. ફેક્ટરીના કર્મચારીઓને બંધક બનાવી માલસામાનની લૂંટ ચલાવી હતી. જોકે સમગ્ર મામલે સાથે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
કર્મચારી અને સિક્યુરિટીને બંધક બનાવ્યા
ગાંધીનગરના સાતેજ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ લૂંટ કેસના માસ્ટર માઈન્ડ છે. તેમણે કેબલ બનાવતી કંપનીમાં રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ લૂંટ કરવા માટે 1-2 નહિ પણ 13-13 લૂંટારુઓને સાથે રાખીને લૂંટ ચલાવી હતી.
આરોપીઓ જે કોપરના કેબલની લૂંટ કરવાના હતા તેને લાવવા લઈ જવા માટે તેમણે એક ટ્રક પણ ભાડે લીધો હતો. જેમાં આશરે 40 લાખથી વધુની કિંમતના કોપરના વાયર લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા. આરોપીઓએ આ કંપનીમાં લૂંટ ચલાવવા માટે કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓ તેમજ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી માર માર્યો હતો અને ત્યારબાદ કોપરના કેબલની લૂંટ ચલાવી હતી.
કઈ રીતે આપ્યો લૂંટને અંજામ
આરોપીઓ એટલા હોશિયાર હતા કે લૂંટ ચલાવ્યા બાદ તેમણે લૂંટ કરેલા માલને અન્ય ગોડાઉનમાં સંતાડી દીધો હતો અને ત્યારબાદ તેને બારોબાર અન્ય વેપારીને વેચી દીધો હતો. આ સિવાય પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકે તે માટે આરોપીઓએ કંપનીના CCTV તોડી નાખ્યાં હતાં અને DVR પણ લઇ ગયા હતા.
બીજી તરફ આરોપીઓએ મુખ્ય રસ્તાના બદલે કાચો રસ્તો પસંદ કરી માલને સગેવગે કર્યો હતો. ફિલ્મમાં જેમ આરોપીઓ લૂંટ કરવા માટે નામ બદલતા હોય છે તેમ આ આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા માટે તેમના ઓરીજીનલ નામ છુપાવી તેમના મુસ્લિમ નામ રાખ્યા હતા. આરોપીઓની આ ટ્રિક થી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે ઘણી મહેનત બાદ આખરે આ ગેંગના 5 આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે હાલ તો 13 માંથી 5 આરોપીઓ ઝડપાયા છે.આ સાથે જ મોટાભાગનો મુદ્દામાલ પણ હજુ રિકવર કરવાનો બાકી છે. જેને રીકવર કરવા તેમજ ફરાર આરોપીઓને ઝડપવા સાંતેજ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત કરી છે.