ભારતનું એક એવું ગામ જ્યાં કરોડપતિ પણ રહે છે માટીના મકાનમાં, ઘરના દરવાજાને નથી લાગતા તાળા
ભારતમાં આજે પણ કેટલાક ગામો એવા છે જેમણે પોતાની આગવી ઓળખ બનાવી રાખી છે. ત્યારે આજે અમે તમને રાજસ્થાનના આવા જ એક ગામ વિશે જણાવીશું, જેને ભારત સરકાર દ્વારા 'બેસ્ટ ટુરિઝમ વિલેજ'નો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ગામમાં તમામ મકાન માટીના બનેલા છે.
પહેલા એવું કહેવાતું હતું કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે, પરંતુ આજે શિક્ષણ, આરોગ્ય અને રોજગારની ઘટતી તકોને કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. યુવાનો તેમના ઘર અને ખેતરો છોડીને શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. પરંતુ આજે પણ ગામડું તમને આનંદની અનુભૂતિ કરાવે છે.
ભારતમાં આજે પણ કેટલાક ગામો એવા છે જેમણે પોતાની આગવી ઓળખ બનાવી રાખી છે. ત્યારે આજે અમે તમને રાજસ્થાનના આવા જ એક ગામ વિશે જણાવીશું, જેને ભારત સરકાર દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ગામ બીજું કોઈ નહીં, પરંતુ રાજસ્થાનના બ્યાવરનું દેવમાલી ગામ છે. આ ગામ કળિયુગમાં સત્યયુગની અનુભૂતિ કરાવે છે.
તેનો અનન્ય સાંસ્કૃતિક વારસો અને ભગવાન દેવનારાયણ પ્રત્યેની ભક્તિ માટે જાણીતું, દેવમાલી ગામ તેની અનન્ય જીવનશૈલી માટે જાણીતું છે. એટલું જ નહીં, દેવમાલી ગામ વિશે ઘણી અનોખી બાબતો છે, જેના કારણે આ ગામ ભારતના અન્ય ગામોથી અલગ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ ગામની એવી શું ખાસિયત છે જે તેને બેસ્ટ ટુરિઝમ વિલેજ બનાવે છે.
દેવમાલી ગામની વિશેષતા
દેવમાલી ગામની સૌથી અનોખી વાત એ છે કે અહીં દરવાજાને ક્યારેય તાળું મારવામાં આવતું નથી. ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. ગામલોકો એકબીજા પર એટલો વિશ્વાસ કરે છે કે કોઈ પણ ઘરનો દરવાજો બંધ કરવામાં આવતો નથી. અહીં ચોરી કે અન્ય પ્રકારની ઘટનાઓનું કોઈ નામોનિશાન નથી, જેના પરથી અહીંની સુરક્ષા અને પરસ્પર વિશ્વાસનો અંદાજ લગાવી શકાય છે.
આપણે બધા સુરક્ષાના કારણોસર આપણા ઘરોને તાળા મારીએ છીએ, પરંતુ દેવમાળી એક એવું ગામ છે જ્યાં લોકો ક્યારેય તેમના ઘરોને તાળા મારતા નથી. ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે તેમને ભગવાન દેવનારાયણમાં પૂરી શ્રદ્ધા છે, તેઓ તેમની સાથે ક્યારેય ખોટું થવા દેશે નહીં. તમને જણાવી દઈએ કે, આ ગામમાં દર વર્ષે પ્રવાસીઓ આવે છે, તેથી ગામને તાળાબંધી ન હોવા છતાં ઘણા દાયકાઓથી અહીં કોઈ ચોરી કે લૂંટની ઘટના સામે આવી નથી. આ ગામ ગુનામુક્ત છે.
દેવમાલી ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળવા પાછળ ઘણા કારણો છે. કેન્દ્ર સરકારના આ પગલાનો હેતુ આ ગામ તરફ દેશ-વિદેશના પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. પ્રવાસન મંત્રાલય દ્વારા આપવામાં આવતા પુરસ્કારોમાં આ પુરસ્કાર મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ગામની અનન્ય સંસ્કૃતિ અને સુમેળભરી જીવનશૈલી તેને બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ મેળવવામાં સફળ રહી છે.
આ ગામની એક વિશેષતા એ છે કે અહીં રહેતા તમામ પરિવારો શાકાહારી છે, અહીં કોઈ પણ માંસનું સેવન નથી કરતું. આ સિવાય અહીં રહેનાર કોઈ દારૂને હાથ પણ લગાવતું નથી. આ કારણોથી ગામમાં શાંતિ રહે છે. અહીં પરંપરાઓથી આગળ વધવાનો કોઈ પ્રયાસ કરતું નથી.
ભગવાન દેવનારાયણના નામે છે જમીન
રાજસ્થાનના આ સુંદર ગામમાં લોકગીતો, પરંપરાગત નૃત્ય અને ગ્રામ્ય જીવનનો અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીંના લોકો ખેતી પર નિર્ભર છે અને સિંચાઈવાળી જમીન પર ખેતી કરે છે. દેવમાલીમાં મુખ્યત્વે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આખું ગામ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે, જે અહીંની એકતા અને સંવાદિતા દર્શાવે છે.
એવું કહેવાય છે કે ગામમાં લગભગ 3000 વીઘા જમીન ભગવાન દેવનારાયણને સમર્પિત છે. ગામના રહીશો વર્ષોથી ગામમાં રહેતા હોવા છતાં તેમની પાસે જમીનની માલિકી સંબંધિત કોઈ દસ્તાવેજ નથી. ગ્રામજનો માટે ગામની જમીન ભગવાન દેવનારાયણની છે. ગામની બધી જમીન ભગવાન દેવનારાયણના નામે છે.
આ ગામમાં એક પણ પાકું ઘર નથી
ભારતના ઘણા ગામોમાં હવે પાકા મકાનો બનવા લાગ્યા છે, ત્યારે રાજસ્થાનના અજમેરમાં આવેલું દેવમાલી ગામ ભારતનું એકમાત્ર આવું ગામ છે. જ્યાં એક પણ પાકું મકાન નથી. અહીંના રહેવાસીઓ પાસે ગમે તેટલા પૈસા હોય તો પણ તેઓ પાકા મકાનો બાંધતા નથી. એટલે કે ગામનો કોઈ વ્યક્તિ કરોડપતિ હોય તો પણ તે કાચા મકાનમાં જ રહે છે.
દેવમાલીના લોકો સાચા મનથી ભગવાન દેવનારાયણની પૂજા કરે છે, તેથી ગ્રામજનોએ ભગવાન દેવનારાયણને વચન આપ્યું છે કે આ ગામમાં કોઈ પાકું ઘર બનાવવામાં આવશે નહીં. વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આજે પણ ગામમાં કોઈ પાકું ઘર નથી. આ ગામમાં છાણની છતવાળા માટીના ઘર છે. આ ઉપરાંત આ ગામમાં કેરોસીન અને લીમડાના લાકડા સળગાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગામ લોકોની આ છે માન્યતા
આ ગામમાં ભગવાન દેવનારાયણનું મંદિર છે, જે એક પ્રખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે. અહેવાલો અનુસાર, દર વર્ષે હજારો ભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ઘણા વર્ષો પહેલા જ્યારે ભગવાન દેવનારાયણ દેવમાલી ગામમાં આવ્યા હતા, ત્યારે તેમણે સ્થાનિક સમુદાય પાસે રહેવા માટે જગ્યા માંગી હતી. ત્યારે ગુર્જર સમાજના લોકોએ કહ્યું હતું કે, અમે કાચા ઘરમાં રહીશું અને તમે પાકા મકાનમાં રહેજો.
ભગવાન દેવનારાયણને આપેલા વચનને પરિપૂર્ણ કરવા માટે આજે પણ કોઈ પરિવાર ઘર બનાવવા માટે સિમેન્ટ અને કાંકરીનો ઉપયોગ કરતું નથી કે પાકું ઘર બનાવતું નથી. ઘરમાં તમામ સુવિધાઓ છે, પરંતુ આ લોકો પીળી માટી, પથ્થર વગેરે પરંપરાગત સામગ્રીથી જ ઘર બનાવે છે. ગામમાં માત્ર સરકારી ઈમારત અને મંદિર જ પાકું છે, બાકીના તમામ મકાનો કાચા છે.
દેવમાલી ગામમાં ત્રણસો જેટલા ઘર છે. ગ્રામજનોનું કહેવું છે કે ભગવાન દેવનારાયણ ગાય માતાની સેવા કરતા હતા, જેના કારણે ગામમાં પશુપાલન પ્રત્યે વિશેષ લગાવ છે. અહીંના ગ્રામજનોનું જીવન પશુપાલન પર નિર્ભર છે. તમામ ગ્રામજનો ગુર્જર જાતિના છે અને તેમનું ગોત્ર લવડા છે. ગામ લોકો તેમના દેવતા દેવનારાયણ સાથે પ્રકૃતિની પણ પૂજા કરે છે. અહીંના લોકો વૃક્ષો અને છોડને પ્રેમ કરે છે, પરંતુ લીમડાના વૃક્ષને ખૂબ જ આદર આપવામાં આવે છે. તેથી અહીં લીમડાના લાકડા સળગાવવા પર પ્રતિબંધ છે.
દેવમાલી ગામ ઉદયપુરથી લગભગ 70 કિલોમીટરના અંતરે આવેલું છે. દેવમાળી ગામ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરસ્પર વિશ્વાસ અને સામુદાયિક સદભાવ ધરાવતું સ્થળ છે. અહીં આવતા પ્રવાસીઓને એક અનોખો અનુભવ મળે છે જે ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. અહીંની યાત્રા તમારા માટે યાદગાર અનુભવ સાબિત થઈ શકે છે.