મહારાષ્ટ્રના નિરીક્ષક બન્યા બાદ પૂર્વ CM વિજય રૂપાણીની tv9 સાથે ખાસ વાતચીત, મુખ્યમંત્રી પદને લઇને આપ્યું મોટું નિવેદન
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનુ 23 નવેમ્બરે પરિણામ તો આવી ગયુ પરંતુ જંગી લીડ મેળવનારી મહાયુતિમાં મુખ્યમંત્રીને લઈને હજુ પેચ ફસાયેલો છે. એકતરફ કાર્યકારી CM એકનાથ શિંદેએ એવો સંકેત તો આપી દીધો છે કે ભાજપના મુખ્યમંત્રી બને તો પણ તેમની પાર્ટી તેનુ સમર્થન કરશે. તો સૂત્રો દ્વારા મળતી ખબરો અનુસાર શિંદે ડિપ્ટી સીએમનુ પદ લેવા તૈયાર નથી અને મહાયુતિની બેઠક પહેલા તેમના ગામ સતારા પહોંચી ગયા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે મહારાષ્ટ્રમાં નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. જેમા નિર્મલા સીતારમણ સહિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે મુખ્યમંત્રી બનાવવાની પ્રક્રિયા ઝડપભેર આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્રારા વિધાનસભા દળના વડાની પસંદગી માટે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નિરીક્ષક બન્યા બાદ વિજય રૂપાણીએ tv9 સાથે ખાસ વાતચીત કરી હતી અને ભાજપના મુખ્યમંત્રી બનશે તેવો સંકેત આપ્યો હતો.
આવતીકાલે અથવા બુધવારે મળશે સંસદીય દળની બેઠક-રૂપાણી
વિજય રૂપાણીએ કહ્યું હતું કે પાર્ટી દ્રારા મને અને નિર્મલા સીતારામણને આ જવાબદારી સોંપવામાં આવી છે મંગળવારે અથવા તો બુધવારે સંસદીય દળની બેઠક મળશે જેમાં અમે બંન્ને હાજર રહીશું ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરીશું અને સંસદીય બોર્ડની બેઠકમાં પણ હાજર રહીશું. કાર્યકર્તાઓની લાગણીને હાઇકમાન્ડ સુધી પહોંચાડીશું, જે બાદ હાઇકમાન્ડ નિર્ણય લેશે.
મુખ્યમંત્રી ભાજપના બનશે તેવું લાગી રહ્યું છે-રૂપાણી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે કોંકડું હજુ પણ ગુંચવાયેલું છે તેનામાં નિરીક્ષક તરીકે જેમને જવાબદારી સોંપી છે તે વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું હતું. રૂપાણીએ કહ્યું હતું કે જે રીતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ ભાજપના મુખ્યમંત્રી બનશે તેવું નિવેદન આપ્યું છે તેને જોતા આ વખતે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતા આવશે તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડનવિસનું નામ ચર્ચામાં છે અને ભાજપ સરપ્રાઇઝ દેવા માટે જાણીતું છે ત્યારે નામને લઇને આખરી નિર્ણય હાઇકમાન્ડનો રહેશે તેવો રૂપાણીએ દાવો કર્યો હતો.
નિરીક્ષકો નિમવા,સેન્સ પ્રક્રિયા હાથ ધરવી એક ઔપચારિકતા
ભારતીય જનતા પાર્ટીમાં આખરી નિર્ણય હાઇકમાન્ડ લેતું હોય છે પરંતુ સંગઠનની પરંપરા પ્રમાણે જ્યારે પણ વિધાનસભા દળના વડાની નિમણુક થવાની હોય છે ત્યારે ભાજપ દ્રારા નિરીક્ષકોની નિમણૂક થતી હોય છે નિરીક્ષકો ચૂંટાયેલા ધારાસભ્યો અને ભાજપના જે તે પ્રદેશના વરિષ્ઠ આગેવાનોની સેન્સ પ્રક્રિયા લેતી હોય છે અને સેન્સમાં સર્વસંમતિથી જે નામ આવે તેને હાઇકમાન્ડ સુધી પહોંચાડતી હોય છે. જે બાદ હાઇકમાન્ડ આ અંગે અંતિમ નિર્ણય લે છે. આમ તો આ પ્રક્રિયા ઔપચારિક હોય છે. જો કે તે રાજકીય પક્ષ દ્રારા પુરી કરવામાં આવે છે.