અમદાવાદના લાંભા વોર્ડમાં પીવાનું દૂષિત પાણી આવતા કમોડ ગામના લોકોમાં ભારે રોષ, પાયાની સુવિધાથી વંચિત રાખવાનો આરોપ- Video
અમદાવાદના લાંભામાં આવેલા કમોડ ગામે પીવાનું દૂષિત પાણી આવતા ગામલોકોમાં ભારે રોષ છે. માત્ર દૂષિત પાણી નહીં પરંતુ 10 વર્ષથી લાંભાનો AMCમાં સમાવેશ બાદ પણ વિકાસ ન થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા સહિત ગામલોકોએ AMC વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
અમદાવાદમાં આવેલા લાંભા વોર્ડનો છેલ્લા 10 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છતા આ વોર્ડના લોકોને પાયાની સુવિધા મળતી ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. વારંવાર અહીં દૂષિત પાણી આવવાની પણ સમસ્યા છે. લાંભાના કમોડ ગામે છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતા ગામલોકો રોષે ભરાયા છે. વિપક્ષ નેતા સહિત ગામ લોકોએ AMC વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. રસ્તા, પીવાનું પાણી અને ડ્રેનેજ લાઈન સહિતની પ્રાથમિક સુવિધાથી આ વિસ્તારના લોકો વંચિત છે. છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા હોવા છતા કોર્પોરેશન દ્વારા ઓરમાયુ વર્તન રાખવાનો આરોપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતા સ્થાનિકો ત્રાહિમામ
છેલ્લા 10 વર્ષથી લાંભા વિસ્તારનો અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે. છતાં અહીંના લોકો પાયાની સુવિધાઓથી વંચિત હોવાથી લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આપ જોઈ શકો છો મહિલાઓના હાથમાં જે બોટલ છે. એ ગટરનું નહીં પરંતુ પીવાનું પાણી છે જે સ્થાનિકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રસ્તા, ડ્રેનેજ લાઈન સહિત પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોએ AMC સામે બાંયો ચઢાવી છે અને તાત્કાલિક ધોરણે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ કરી છે. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા વિપક્ષે સત્તાપક્ષની કામગીરી પર સવાલ ખડા કર્યા છે.