WTC ફાઈનલની રેસમાં સામેલ ટીમને ICCએ ફટકાર્યો દંડ, એક ભૂલના કારણે પોઈન્ટ કપાયા
ભારત ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં અન્ય કેટલીક ટીમો છે, જેમાંથી એક ન્યુઝીલેન્ડ છે. ટીમ ઈન્ડિયાને 3-0થી હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ સારી સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું પરંતુ ઈંગ્લેન્ડ સામેની હાર અને પછી ભૂલને કારણે મળેલી સજાએ તેની આશા લગભગ ખતમ કરી દીધી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટેની રેસ ઘણી જ તંગ બની ગઈ છે અને ભારત સહિત કેટલીક ટીમો હજુ પણ રેસમાં છે. ઓસ્ટ્રેલિયામાં જીત સાથે શરૂઆત કરીને ટીમ ઈન્ડિયાએ પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે અને હવે તે એડિલેડમાં યોજાનારી બીજી ટેસ્ટમાં પોતાની જાતને વધુ મજબૂત કરવા ઈચ્છશે. જો કે આ ટેસ્ટ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બે ટીમો સામે કાર્યવાહી કરી છે અને આ બંને ટીમોને બેવડી સજા આપી છે.
ICCએ ન્યુઝીલેન્ડ-ઈંગ્લેન્ડને દંડ ફટકાર્યો
આ ટીમો ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ છે. બંને ટીમો વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો સમયસર ઓવર પૂરી કરી શકી નહોતી. આ કારણે ICCએ હવે બંને ટીમોને દંડ ફટકાર્યો છે અને કેટલાક પોઈન્ટ પણ કાપ્યા છે.
ન્યુઝીલેન્ડને હાર બાદ વધુ એક આંચકો
ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. માત્ર 4 દિવસમાં ખતમ થયેલી આ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની હાર એવા સમયે થઈ જ્યારે તેમણે તાજેતરમાં જ ભારતના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આવી સ્થિતિમાં તેમની પાસેથી તેમના ઘરમાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની તેમની આશા પણ વધી ગઈ હતી. પરંતુ 2021 ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડની શક્યતા હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આ હારથી ન્યુઝીલેન્ડ પહેલાથી જ ચોંકી ગયું હતું અને હવે સ્લો ઓવર રેટના કારણે પોઈન્ટ કપાવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
Changes in the race to the #WTC25 final following sanctions to New Zealand and England.https://t.co/HpJ5M0fM1p
— ICC (@ICC) December 3, 2024
ICCએ સ્લો ઓવર રેટના કારણે કર્યો દંડ
મંગળવારે 3 ડિસેમ્બરના રોજ, ICC એ બંને ટીમોને ઓવર પૂરી ન કરવા બદલ સજાની જાહેરાત કરી. ICCએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે મેચમાં હાજર અમ્પાયરોએ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને ધીમી ઓવર રેટ માટે દોષિત માન્યા હતા. આ પછી મેચ રેફરી ડેવિડ બૂને બંને ટીમો માટે સજાનો નિર્ણય કર્યો. આ મેચમાં બંને ટીમો નિર્ધારિત સમય કરતા 3 ઓવર પાછળ જોવા મળી હતી, ત્યારબાદ રેફરીએ બંને ટીમના તમામ 11 ખેલાડીઓની 15 ટકા મેચ ફી કાપવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત, નિયમો અનુસાર, દરેક ઓવર પાછળ એક પોઈન્ટ કાપવામાં આવ્યો હતો. આ રીતે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે ત્રણ-ત્રણ પોઈન્ટ ગુમાવ્યા હતા.
WTC ફાઈનલની અંતિમ રેસમાંથી થશે બહાર
આ નિર્ણય બાદ WTCના પોઈન્ટ ટેબલમાં એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે, જેમાં ન્યુઝીલેન્ડ ચોથાથી પાંચમા સ્થાને સરકી ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડ તેના છઠ્ઠા સ્થાને યથાવત છે. જોકે ઈંગ્લેન્ડ પહેલાથી જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું, પરંતુ ન્યુઝીલેન્ડ પાસે હજુ એક તક બાકી હતી. હવે તે તક પણ તેના હાથમાંથી સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે. લેટેસ્ટ અપડેટ પછી ન્યુઝીલેન્ડના 47.92 ટકા પોઈન્ટ છે અને તે માત્ર 55.36 ટકા સુધી પહોંચી શકે છે, જે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા કરતા ઘણા ઓછા છે. આવી સ્થિતિમાં કોઈ ચમત્કાર જ તેને ફાઈનલમાં લઈ જઈ શકે છે.
આ પણ વાંચો: Champions Trophy 2025 : પાકિસ્તાનનું હાઈબ્રિડ મોડલ ભારતને સ્વીકાર્ય નથી, જાણો શું છે કારણ