અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, ખારીકટ કેનાલમાં ઠલવાતા કેમિકલ યુક્ત પાણીથી ખેડા તાલુકાના ખેડૂતો પારાવાર નુકસાની વેઠવા મજબૂર
અમદાવાદમાં આવેલી કેનાલ ખેડાના ખેડૂતોને આડ અસર કરી રહી છે જાણવામાં થોડું નવું લાગે પણ આ જ વાસ્તવિક્તા છે. ખેડૂતોને ખેતી માટે પાણી પૂરુ પાડવા માટે કેનાલોનું નેટવર્ક બનાવવામાં આવ્યું અને હવે આ જોડતી કેનાલોના કારણે પ્રદૂષણનો મુદ્દો ઊઠ્યો છે.આ કેનાલમાં પાણીની સાથે ભારોભાર પ્રદૂષણ વહી રહ્યું છે. જે ખેડા તાલુકાના બે ડઝનથી વધુ ગામોના ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બન્યુ છે.
અમદાવાદમાં ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાંથી નીકળતુ પ્રદૂષણ હવે ખેડા પહોંચ્યુ છે. અમદાવાદમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીએ ખેડા તાલુકાના ખેડૂતોની મુશ્કેલી વધારી છે. આ પ્રદૂષિત પાણીને કારણે બે ડઝનથી વધુ ગામોમાં પ્રદૂષણ ફેલાયુ છે. અમદાવાદમાં કેમિકલ માફિયાઓ એ હદે બેફામ બન્યા છે જેની અસર હવે દૂર-સુદૂર વર્તાઈ રહી છે. સિંચાઇ માટેની જીવાદોરી સમાન ખારીકટ કેનાલ ગટર અને ઔદ્યોગિક એકમોના ગંદા-કેમિકલયુક્ત પાણીથી ખદબદી રહી છે. ગ્રામ્યજીવનને ભારે સાથે ખેતીલાયક જમીનની ફળદ્રુપતા ગુમાવી રહી છે. ખેડુતોએ વાવેલ પાકમાં આ પાણી ફેરવતા પહેલા 100 વખત વિચાર કરવો પડી રહ્યો છે.
ખારી કેનાલ અમદાવાદથી નીકળી લાંભા, અસલાલી, જેતલપુર, બારેજા, નાયકા સહિતના અનેક ગામોમાંથી પસાર થાય છે. અમદાવાદના અનેક ઔદ્યોગિક એકમોનું દુષિત કેમિકલયુક્ત પાણી ખારી કેનાલમાં છોડાતા કેનાલમાં માત્ર કાળા રંગનું દુર્ગંધ મારતું પાણી જ વહેતું નજરે પડી રહ્યું છે. હવે તો ચૂંટણીઓ સમયના વાયદા પણ જૂના થઈ ગયા અને વાયદા પૂરા કરવાની કોઈ જરૂરિયાત પણ નથી રહી. ત્યારે પ્રદૂષણ માફિયા સાથે મળેલા GPCBની ઊંઘ ક્યારે ઉડે અને પ્રદૂષણના પાપીઓ સામે ક્યારે કાર્યવાહી થશે તે સવાલ સહુ કોઈને થઈ રહ્યો છે.