IND vs ENG : વરુણ ચક્રવર્તીએ એકલા હાથે ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી ઢેર, ભારતમાં પહેલીવાર કર્યું આ કારનામું
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝની ત્રીજી મેચમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની જાદુઈ બોલિંગ જોવા મળી હતી. તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં અડધી ઈંગ્લેન્ડની ટીમને આઉટ કરી દીધી હતી. તે તેની કારકિર્દીમાં બીજી વખત 5 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની શાનદાર બોલિંગ જોવા મળી હતી. તેની જાદુઈ બોલિંગ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી હતી. તે પોતાની 4 ઓવરના સ્પેલમાં અડધી ઈંગ્લેન્ડની ટીમને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. હાલમાં તે આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

વરુણ ચક્રવર્તીએ પોતાની 4 ઓવરના સ્પેલમાં 6.00ની ઈકોનોમી સાથે માત્ર 24 રન આપ્યા અને 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ દરમિયાન તેણે જોસ બટલર, જેમી સ્મિથ, જેમી ઓવરટોન, બ્રેડન કર્સ અને જોફ્રા આર્ચરને આઉટ કર્યા.

આ સાથે તેણે તેની T20 ઈન્ટરનેશનલ કરિયરમાં બીજી વખત 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન 5 વિકેટ પોતાના નામે કરી હતી. એટલે કે વરુણ ચક્રવર્તીએ ભારતમાં પ્રથમ વખત 5 વિકેટ ઝડપી છે.

ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં વરુણ ચક્રવર્તી સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. વરુણ ચક્રવર્તી સિવાય કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારે પણ 2-2 વખત 5 વિકેટ ઝડપી છે. જ્યારે દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલે તેમની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક-એક વાર આ સિદ્ધિ મેળવી છે.

વરુણ ચક્રવર્તીએ જુલાઈ 2021માં ટીમ ઈન્ડિયા માટે T20 ડેબ્યૂ કર્યું હતું. પરંતુ માત્ર 6 મેચ બાદ તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ પછી વરુણ ચક્રવર્તીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. ત્યારથી તેણે 10 T20 મેચ રમી છે અને 7.40 ની ઈકોનોમી સાથે 27 વિકેટ લીધી છે, જેમાં બે વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે. (All Photo Credit : PTI)
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સહિત ટીમ ઈન્ડિયાના તમામ સ્ટાર ક્રિકેટરો સાથે જોડાયેલ સમાચારો વિશે જાણવા કરો ક્લિક

































































