WPL 2025ના એક દિવસ પહેલા મુંબઈ-બેંગલુરુને લાગ્યો ઝટકો, બે સ્ટાર ખેલાડી ટુર્નામેન્ટમાંથી થઈ બહાર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ WPL 2025માં પોતાની પહેલી મેચ શુક્રવાર 14 ફેબ્રુઆરીના રોજ રમવાની છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 15 ફેબ્રુઆરીએ પોતાની યાત્રા શરૂ કરશે. પરંતુ આના એક દિવસ પહેલા બંને ટીમની એક-એક ખેલાડી ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. પરંતુ તેની શરૂઆતના એક દિવસ પહેલા જ બે ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આશા શોભના ઈજાઓથી પરેશાન હતી. હાલ તો તેમના સ્વસ્થ થવાની કોઈ આશા દેખાતી ન હતી. તેથી, બંને ફ્રેન્ચાઈઝીઓએ ગુરુવાર 13 ફેબ્રુઆરીના રોજ ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી.

પૂજા વસ્ત્રાકરને મુંબઈ ઈન્ડિયન્સે 1.9 કરોડ રૂપિયામાં રિટેન કરી હતી. પરંતુ ઈજાને કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું હતું. હવે નિયમ અનુસાર પૂજા વસ્ત્રાકરને તેનો પગાર મળશે નહીં. પૂજાએ કરોડો રૂપિયા કમાવવાની તક ગુમાવી દીધી છે.

બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે આશા શોભનાને 10 લાખ રૂપિયામાં રિટેન કરી હતી. પરંતુ તે પણ ઈજાને કારણે આખી સિઝન રમી શકશે નહીં. જોકે શોભનાને ફક્ત 10 લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ 14 ફેબ્રુઆરી શુક્રવારના રોજ ગુજરાત જાયન્ટ્સ સામે રમશે. મેચના એક દિવસ પહેલા સ્પિનર આશા શોભનાના સ્થાને 28 વર્ષીય વિકેટકીપર-બેટર નુઝહત પરવીનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નુઝહત ઘરેલુ ક્રિકેટમાં રેલવે તરફથી રમે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. RCBએ તેને વર્તમાન સિઝન માટે 30 લાખ રૂપિયા આપ્યા છે. તમને જણાવી દઈએ કે તે હરાજીમાં વેચાઈ ન હતી. કોઈ ટીમે તેના માટે બોલી લગાવી ન હતી.

બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે 15 ફેબ્રુઆરીએ દિલ્હી કેપિટલ્સ સામે પોતાની પહેલી મેચ રમવાની છે. આ પહેલા મુંબઈની ટીમે ઈજાગ્રસ્ત પૂજા વસ્ત્રાકરના સ્થાને 19 વર્ષીય યુવા ડાબોડી સ્પિનર પરુણિકા સિસોદિયાને ટીમમાં સ્થાન આપ્યું છે. આ માટે તેને 10 લાખ રૂપિયા મળશે. તાજેતરમાં જ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં પરુણિકાએ પોતાની બોલિંગથી ધૂમ મચાવી હતી. તેણે આખી ટુર્નામેન્ટમાં 10 વિકેટ લીધી. તે સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેની મેચની શ્રેષ્ઠ ખેલાડી પણ રહી હતી. પરુણિકા WPLની પહેલી સિઝનમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી રમી હતી. (All Photo Credit : X / WPL / INSTAGRAM)
વુમન્સ પ્રીમિયર લીગ 2025 સાથે જોડાયેલ તમામ ખબરો જાણવા ક્લિક કરો

































































