આ જિલ્લાઓમાં 2 દિવસ થશે માવઠું, કઈ સિસ્ટમને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઈ છે આગાહી ?
હવામાનના જાણકાર અંબાલાલ પટેલ તેમજ અન્યોએ, ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની અગાઉ કરેલ આગાહીને, હવે ભારતીય હવામાન વિભાગે પણ અનુમોદન આપ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 2 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભરઉનાળે માવઠું થવાની સંભાવના છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ વરસશે. રાજ્યમાં આજે ક્યાંક હિટવેવની સ્થિતિ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પોરબંદર, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ રહેશે. ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આવતીકાલે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 2જી એપ્રિલ પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 45 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ છે.