Waqf Amendment Bill: વકફ બિલને લઈને સરકાર પીછેહઠ નહીં કરે, 3 એપ્રિલે સંસદમાં રજૂ થઈ શકે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે કેટલાક પક્ષો અને સંગઠનો સમાજને ગેરમાર્ગે દોરવામાં લાગેલા છે. આ લોકો અસત્યનો આશરો લે છે. સત્ય એ છે કે આ બિલ મુસ્લિમોના હિતમાં છે.

વકફ એમેન્ડમેન્ટ બિલને લઈને મોટી માહિતી સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે, સરકાર આગામી બુધવારને 3 એપ્રિલના રોજ લોકસભામાં વકફ સંશોધન બિલ લાવશે. સરકારના વરિષ્ઠ મંત્રીઓએ સરકારના સહયોગી પક્ષોના નેતાઓને ફોન કરીને માહિતી આપી છે અને સમર્થન માંગ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસદનું વર્તમાન બજેટ સત્ર, આગામી 4 એપ્રિલના રોજ પૂર્ણ થવાનું છે. જ્યારે, આ બિલને કાયદો બનાવવા માટે, તેને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવુ પડશે. લઘુમતી અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સોમવારે આ બિલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરકાર બિલને સંસદમાં રજૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ બિલ પાસ થવું જોઈએઃરિજિજુ
કિરણ રિજિજુએ કહ્યું કે, બિલ રજૂ કરવાનો સમય સંસદની બેઠક બાદ નક્કી કરવામાં આવશે. જો કે, તેઓ ઇચ્છે છે કે તે શક્ય તેટલી વહેલી તકે પસાર થાય. કેન્દ્ર સરકારે સંકેત આપ્યો છે કે તે મંગળવારે વિવિધ પક્ષોના નેતાઓ સાથે બિલ રજૂ કરવાના સમય અંગે ચર્ચા કરશે. આ પછી તેને બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે.
કેટલાક લોકો અસત્યનો આશરો લે છે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે કેટલાક પક્ષો અને સંગઠનો સમાજને ગેરમાર્ગે દોરવામાં લાગેલા છે. આ લોકો અસત્યનો આશરો લે છે. સત્ય એ છે કે આ બિલ મુસ્લિમોના હિતમાં છે. તેમણે કહ્યું કે ઈદ પર મુસ્લિમોને કાળી પટ્ટી બાંધીને બિલનો વિરોધ કરવાનું કહેવામાં આવ્યું હતું. લોકોને રસ્તા પર ઉતરવા માટે ઉશ્કેરવું સારું નથી.
લઘુમતી અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે નાગરિકતા (સુધારા) અધિનિયમ વિરુદ્ધ સમાન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેમણે પૂછ્યું કે શું આ કાયદો લાગુ થયા બાદ એક પણ મુસ્લિમે પોતાની નાગરિકતા ગુમાવી છે? વિરોધ પક્ષોને વિનંતી છે કે તેઓ બિલને સારી રીતે વાંચે અને પછી સરકાર સાથે વાત કરે.
દેશમાં બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો