GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યું ‘સૂર્યગ્રહણ’, ગુજરાત સામે પૂરી થશે 167 દિવસની રાહ?
છેલ્લા ત્રણ-ચાર IPL સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહ્યા છે. પરંતુ આ ખરાબ સમયમાં પણ સૂર્યકુમાર યાદવનું બેટ સતત ચાલતું જ રહ્યું હતું. નવી સિઝનમાં પણ મુંબઈની શરૂઆત સારી રહી ન હતી, સાથે જ આ વખતે સૂર્યાનું બેટ પણ શાંત છે. સૂર્યકુમાર યાદવના પરફોર્મન્સને 'ગ્રહણ' લાગ્યું છે અને હવે મુંબઈ ઈન્ડિયન્સ 'સૂર્યગ્રહણ'થી ચિંતિત છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સ માટે નવી સિઝનની શરૂઆત સારી રહી નથી. IPL 2025ની પોતાની પહેલી જ મેચમાં 5 વખતની ચેમ્પિયન મુંબઈને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. હવે બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.

આ મેચમાં મુંબઈ માટે રાહતના સમાચાર એ છે કે કેપ્ટન હાર્દિક પંડ્યા વાપસી કરી રહ્યો છે પરંતુ તેમના માટે સૌથી મોટી ચિંતા 167 દિવસથી ચાલી રહેલ 'સૂર્યગ્રહણ' છે. આ સૂર્યગ્રહણ ટીમના સ્ટાર બેટ્સમેન અને પહેલી મેચના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર પડ્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લા સતત ચાર સિઝન ખાસ સાબિત થયા નથી. આ દરમિયાન ટીમ બે વાર છેલ્લા સ્થાને રહી છે. છેલ્લી સિઝનમાં પણ ટીમ સાથે આવી જ સ્થિતિ બની હતી, જ્યારે તે 10 ટીમોમાં છેલ્લા સ્થાને હતી. પરંતુ આ બધી સિઝનમાં ટીમની નિષ્ફળતા છતાં તેના અનુભવી સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું બેટ સતત રન બનાવતું રહ્યું. આના આધારે, તે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ બેટ્સમેન પણ સાબિત થયો.

પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સૂર્યકુમારના તેજસ્વી ફોર્મને ગ્રહણ લાગ્યું હોય તેવું લાગે છે. ગયા વર્ષે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી ત્યારથી સૂર્યાનું બેટ શાંત પડી રહ્યું હોય તેવું લાગે છે. ખાસ કરીને છેલ્લા 6 મહિનાથી તે આ ફોર્મેટમાં ફ્લોપ સાબિત થયો છે અને તેમાં IPL 2025ની પહેલી મેચનો પણ સમાવેશ થાય છે, જેમાં તે ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો.

આંકડા દર્શાવે છે કે સૂર્યકુમાર યાદવે છેલ્લા 167 દિવસમાં 9 T20 મેચ રમી છે અને આ દરમિયાન તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આ દિગ્ગજ ભારતીય બેટ્સમેનના બેટમાંથી છેલ્લી અડધી સદી 12 ઓક્ટોબર 2024ના રોજ બાંગ્લાદેશ સામે આવી હતી. ત્યારથી, તેણે રમેલી 9 T20 મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 29 રન રહ્યો છે, જે ચેન્નાઈ સામેની પહેલી IPL મેચમાં આવ્યો હતો, જ્યારે આ દરમિયાન તે બે વાર પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.

સૂર્યકુમાર યાદવ, જે T20 ફોર્મેટમાં પોતાની ઈચ્છા મુજબ મેદાનના કોઈપણ ભાગમાં ગમે ત્યારે કોઈપણ શોટ રમવા માટે જાણીતો છે, તેનું આવું ફોર્મ ખરેખર મુંબઈ માટે ચિંતાનો વિષય છે. જોકે, સૂર્યા અને તેની ટીમ આશા રાખશે કે તે શક્ય તેટલી વહેલી તકે ફોર્મમાં પાછો ફરે અને આ માટે ગુજરાત ટાઈટન્સ સામેની મેચ કરતા વધુ સારી કોઈ મેચ હોઈ શકે નહીં.

ગુજરાત ટાઈટન્સ સામે સૂર્યાએ 4 ઈનિંગ્સમાં 66.66ની સરેરાશ અને 181.81ના સ્ટ્રાઈક રેટથી 200 રન બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે સૂર્યા આ મેચમાં સારા ફોર્મમાં આવી શકે છે. અને જો તેઓ આ વખતે પણ નિષ્ફળ જાય છે, તો ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમની સફર આ સિઝનમાં પણ ખૂબ જ મુશ્કેલ બની જશે. (All Photo Credit : PTI / X / IPL)
IPL 2025માં સૂર્યકુમાર યાદવ પર ફેન્સની ખાસ નજર છે. મેદાનના દરેક ખૂણામાં જોરદાર શોટ ફટકારવાની તેની ક્ષમતાથી બધા વાકેફ છે. સૂર્યકુમાર યાદવ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































