GT vs PBKS : શ્રેયસ અય્યરે ટીમ માટે પોતાની સદીનું બલિદાન આપ્યું, 97 રન બનાવીને અણનમ રહ્યો
શ્રેયસ અય્યરે ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. પંજાબ કિંગ્સ માટે પહેલી જ મેચમાં શ્રેયસ અય્યરે છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 27 બોલમાં અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ શ્રેયસ અય્યર 97 રન બનાવીને અણનમ રહ્યો અને પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં.

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે આ ફ્રેન્ચાઈઝી માટે પોતાની પહેલી જ મેચમાં શાનદાર બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ શ્રેયસ અય્યર પર 26.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને આ ખેલાડીએ પહેલી જ મેચમાં રિટર્ન ગિફ્ટ આપવાનું શરૂ કરી દીધું હતું. પંજાબ કિંગ્સ માટે ડેબ્યૂ કરતા શ્રેયસ અય્યરે ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જો કે દુઃખની વાત છે કે શ્રેયસ અય્યર પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં. તે 97 રન બનાવીને અણનમ રહ્યો હતો.

19મી ઓવર સુધી શ્રેયસ અય્યર 97 રન પર રમી રહ્યો હતો. તેને 20મી ઓવરમાં એક પણ બોલ રમવાનો મોકો મળ્યો નહીં. તેના સાથી શશાંક સિંહે બધા 6 બોલ રમ્યા. આ ઓવરમાં શશાંકે 23 રન બનાવ્યા. ઈનિંગ પછી શશાંકે કહ્યું કે શ્રેયસ અય્યરે જ તેને કહ્યું હતું કે તે તેની સદીની ચિંતા ન કરે અને તેના શોટ્સ રમે. શ્રેયસ અય્યરે ટીમ માટે પોતાની સદીનું બલિદાન આપ્યું હતું.

શ્રેયસ અય્યરે 42 બોલમાં 97 રન બનાવ્યા અને તેના બેટમાંથી 9 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે 230 થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરની ખાસ વાત એ હતી કે તેણે વચ્ચેની ઓવરોમાં તોફાની ઈનિંગ રમી. તેણે રાશિદ ખાન અને સાઈ કિશોરની ઓવરમાં 2-2 છગ્ગા ફટકાર્યા હતા.

શ્રેયસ અય્યરે પોતાની તોફાની ઈનિંગ દરમિયાન T20 ક્રિકેટમાં 6000 રન પણ પૂરા કર્યા હતા. એટલું જ નહીં તેણે IPLમાં કેપ્ટન તરીકેના પોતાના 2000 રન પણ પૂરા કર્યા હતા. આ સાથે તેણે T20 ક્રિકેટમાં 200 છગ્ગા પણ પૂરા કર્યા.

ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 243 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ સામે કોઈ ટીમે આટલા રન બનાવ્યા હોય તે પહેલી વાર બન્યું છે. ગયા સિઝનમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત સામે સૌથી વધુ 224 રન બનાવ્યા હતા જેને પંજાબ કિંગ્સે ઓવરટેક કર્યો હતો. પંજાબ તરફથી શશાંક સિંહે પણ 16 બોલમાં 44 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી 2 છગ્ગા અને 6 ચોગ્ગા લાગ્યા હતા. પ્રિયાંશ આર્યએ પણ 47 રનની ઈનિંગ રમી હતી. (All Photo Credit : PTI)
પંજાબ કિંગ્સ નવા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં IPL 2025માં ટ્રોફી જીતવા પ્રયાસ કરશે. શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































