નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ
અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. આઈપીએલની ફાઈનલ મેચ અને વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી પણ આ સ્ટેડિયમ બન્યુ છે. મોટેરામાં આવેલુ હોવાથી પહેલા આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમથી જાણીતુ હતુ. જો કે વર્ષ 2015માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યારૂબાદ તેને સંપૂર્ણપણે તોડીને તદ્દન નવુ જ અદ્યતન સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ અને ફેબ્રુઆરી 2020માં 800 કરોડના ખર્ચે નવુ બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.
24 ફેબ્રુઆરી 2021ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ. આ સ્ટેડિયમમાં સૌપ્રથમવાર પિંક બોલનો ઉપયોગ 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં થયો હતો.