IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીતનો અસલી હીરો કોણ? કેપ્ટન હાર્દિક પંડ્યાએ જાહેર કર્યું નામ
મુંબઈ ઈન્ડિયન્સને સતત 3 હાર બાદ પ્રથમ જીત મળી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું કે આ જીત માટે તેણે ઘણી મહેનત કરવી પડી. પંડ્યાએ દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની યાદગાર જીતનો સાચો હીરો પણ જાહેર કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPLની આ સિઝનમાં પોતાની પ્રથમ જીતથી ખુશ છે. પંડ્યાએ કબૂલ્યું હતું કે, તેમની ટીમે જીતનું ખાતું ખોલાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPLની 20મી મેચમાં મુંબઈએ દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું હતું. મુંબઈ તરફથી ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડે તેની બેટિંગ માટે ઘણી તાળીઓ જીતી હતી.

કેપ્ટન પંડ્યાએ પણ સ્વીકાર્યું કે શેફર્ડ મુંબઈની જીતનો અસલી હીરો છે. મુંબઈ માટે શેફર્ડે છેલ્લી ઓવરમાં 4 સિક્સ અને 2 ફોર ફટકારીને કુલ 32 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ સામે શેફર્ડની આ ઇનિંગે આખી મેચ પલટી નાખી હતી. દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ, મુંબઈ ઈન્ડિયન્સ (MI vs DC)ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું, 'આ જીત નોંધાવવા માટે અમારે સખત મહેનત કરવી પડી.

હાર્દિક કહ્યું, અમે આગામી મેચોમાં ફેરફારો સાથે પ્રવેશ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે આ અમારો સારો તાલમેલ છે. જોકે અમે પ્રથમ ત્રણ મેચ હારી ગયા હતા પરંતુ અમને પોતાની જાત પર વિશ્વાસ હતો. હવે વિજયની શરૂઆત થઈ ગઈ છે.

































































