ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ ટોપ પર, દરેક મામલે ભારતીય ખેલાડીઓ નંબર-1
હાલમાં જાહેર થયેલ લેટેસ્ટ ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. 18 ભારતીય ક્રિકેટર્સ ICC રેન્કિંગમાં ટોપ-10માં સામેલ છે. તેમાં પણ ખાસ વાત એ છે કે પાંચ ખેલાડીઓ નંબર-1 પર છે. જેમાં બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડ ત્રણેયના રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ ટોપ પર છે. રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ, રવિ બિશ્નોઈ, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ટોપ પર છે.

ICC T20 રેન્કિંગમાં બેટ્સમેનોમાં ભારતના T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તે લાંબા સમયથી નંબર-1 T20 બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયા સીરિઝમાં દમદાર પ્રદર્શન બાદ તેણે રેન્કિંગમાં ટોપનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.

ICC T20 રેન્કિંગમાં બોલરોમાં ભારતના યુવા સ્પિનર રવિ બિશ્નોઈએ પહેલી વાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની સીરિઝમાં રવિ બિશ્નોઈએ સૌથી વધુ વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. રવિ બિશ્નોઈએ કોઈ પણ ફોર્મેટમાં સૌપ્રથમવાર નંબર 1 રેન્કિંગ મેળવ્યું છે.

લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં ભારતના યુવા સ્ટાર ઓપનર શુભમન ગિલે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. શુભમન વનડેમાં 2023માં સૌથી વધુ રન અને સદી ફટકારનાર બેટ્સમેન છે. વર્લ્ડ કપ-એશિયા કપ સહિત તમામ ટુર્નામેન્ટમાં શુભમને સતત સારું પ્રદર્શન કર્યું છે અને તે વર્ષના અંતે પણ નંબર-1 ODI બેટ્સમેન જ રહેશે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું નામ ટોપ-10માં ના હોય એવું બહુ ઓછી વાર બને છે. આ વખતે પણ આર અશ્વિન ટોપ 10 બોલરોમાં સામેલ છે અને તે પણ ટોપ પર. અશ્વિન સૌથી વધુ પોઈન્ટ સાથે નંબર-1 ટેસ્ટ બોલર છે.

ટેસ્ટ ક્રિકેટના ઓલ ટાઈમ બેસ્ટ ઓલરાઉન્ડરમાં એક રવીન્દ્ર જાડેજા પણ ICC રેન્કિંગમાં ટોપ પર છે. જાડેજા ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓલરાઉન્ડરોની લિસ્ટમાં પહેલા ક્રમે છે. જાડેજા બોલિંગની સાથે બેટિંગમાં પણ સતત સારું પ્રદર્શન કરે છે અને એટલા માટે જ તે નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે.
