227 નો સ્ટ્રાઈક રેટ અને 12 બાઉન્ડ્રી… સદી ચૂકી જવા છતાં શ્રેયસ ઐયરે કર્યું ધમાકેદાર પ્રદર્શન, કાવ્યા મારનની ટીમનો શ્વાસ રોકાયો
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે વિસ્ફોટક બેટિંગ કરી અને માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. શ્રેયસ ઐયરે પોતાની અડધી સદીની ઇનિંગમાં 236 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને કુલ 5 છગ્ગા પણ ફટકાર્યા.

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાની તોફાની બેટિંગથી હંગામો મચાવ્યો હતો. શ્રેયસ ઐયરે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વિસ્ફોટક બેટિંગ કરી અને માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

ઐયરે પોતાની અડધી સદીની ઇનિંગમાં કુલ 5 છગ્ગા પણ ફટકાર્યા. આ અડધી સદીની ઇનિંગ દરમિયાન શ્રેયસ ઐયરનો સ્ટ્રાઇક રેટ 236 હતો.

સનરાઇઝર્સ સામેની મેચ પહેલા, પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર સતત બે મેચમાં નિષ્ફળ ગયો હતો. પોતાની ફિફ્ટી પૂરી કર્યા પછી, ઐય્યર વધુ ખતરનાક બની ગયો. તે પોતાની સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો પરંતુ હર્ષલ પટેલના બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ ગયો.

ઐયરે 36 બોલમાં 82 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા. આ મેચમાં પંજાબ કિંગ્સ માટે ઐયર પહેલા પ્રિયાંશ આર્યએ ટીમને તોફાની શરૂઆત આપી હતી.

CSK સામે સદી ફટકારનાર પ્રિયાંશે માત્ર 13 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા. આ ઉપરાંત, પ્રભસિમરન સિંહે 23 બોલમાં 42 રનની જોરદાર ઇનિંગ રમી. જ્યારે નિહાલ બધેરાએ 22 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું. (All Image - BCCI)

































































