Ranji Trophy: શિખર ધવન નહીં આ યુવા ખેલાડી સંભાળશે ટીમનુ સુકાન, ડેબ્યૂ મેચમાં જ મચાવી હતી ધમાલ
ભારતીય ઘરેલુ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ શરુ થવા જઈ રહી છે. આ માટે હવે ટીમોના એલાન પણ થવા શરુ થઈ ગયા છે. આ દરમિયાન 20 વર્ષના એક ખેલાડીના હાથમાં ટીમનુ સુકાન સોંપવામાં આવ્યુ છે.


ભારતની સૌથી મોટી ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની શરુઆત હવે થનારી છે. આ માટે હવે દરેક ટીમો પોત પોતાના ખેલાડીઓના નામને જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્લીની ટીમની પણ ઘોષણા કરવામાં આવી છે. દિલ્લીએ 20 વર્ષના યુવા ખેલાડીને સુકાન સોંપ્યુ છે. આ યુવા ક્રિકેટરનુ નામ યશ ધુલ છે. જેણે 10 મહિના પહેલા જ ભારતીય યુવા ટીમને વિશ્વ વિજેતા બનાવી હતી. યશ હવે દિગ્ગજો ભરેલી ટીમ દિલ્લીનુ સુકાન સંભાળશે.

દિલ્લીની ટીમમાં 100 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચનો અનુભવ ધરાવતા ઝડપી બોલર ઈશાંત શર્મા અને આઈપીએલના સ્ટાર ખેલાડી નિતીશ રાણાનો સમાવેશ છે. આમ યુવા ક્રિકેટર હવે દિગ્ગજો ધરાવતી ટીમને સંભાળશે. અંડર-19 વિશ્વકપ ચેમ્પિયન ટીમના કેપ્ટન યશને આ દિગ્ગજોની હાજરી હોવા છતાં આગેવાની સંભાળવા માટે પસંદ કરવામાં આવ્યો છે.

દિલ્હીના પસંદગીકારોએ 10 ડિસેમ્બર, શનિવારના રોજ રણજી ટ્રોફી માટે જાહેર કરાયેલી ટીમમાં ધુલને કેપ્ટન તરીકે નિયુક્ત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ધુલ કદાચ દિલ્હીની કેપ્ટનશીપ કરનાર સૌથી યુવા ખેલાડીઓમાંથી એક છે.

આ વર્ષના ફેબ્રુઆરી માસમાં દિલ્લી માટે રણજી ટ્રોફીમાં શાનદાર શરુઆત યશ ધુલે કરી હતી. તેણે ડેબ્યૂ મેચની બંને ઈનીંગમાં સદી નોંધાવી દીધી હતી. ધુલે ફક્ત ત્રણ મેચોમાં જ એક બેવડી સદી સહિત 3 સદી ફટકારી હતી. આ ત્રણ મેચમાં તેણે 479 રન નોંધાવ્યા હતા. અત્યાર સુધીમાં તેણે 8 મેચ રમી છે અને 72 ની સરેરાશથી 4 સદી સાથે 820 રન નોંધાવ્યા છે.

શરુઆતની બે મેચ માટે ભારતીય ક્રિકેટના દિગ્ગજ શિખર ધવનને ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યુ. ધવન શરુઆતની 39 ખેલાડીઓની યાદીમાં સામેલ હતો.

દિલ્હી ટીમઃ યશ ધુલ (કેપ્ટન), હિંમત સિંહ, ધ્રુવ શૌરી, અનુજ રાવત, વૈભવ રાવલ, લલિત યાદવ, નીતિશ રાણા, આયુષ બદોની, રિતિક શોકીન, શિવાંક વશિષ્ઠ, વિકાસ મિશ્રા, જોન્ટી સિદ્ધુ, ઈશાંત શર્મા, મયંક યાદવ, હરેશ રાણા. , સિમરજીત સિંહ , લક્ષ્ય થરેજા , પ્રાંશુ વિજયરન.

































































