વિરાટ કોહલી 300મી વનડેમાં સચિન-ગેલને પાછળ છોડીને રચશે ઈતિહાસ, 7 મોટા રેકોર્ડ તોડશે !
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા રવિવારે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ટુર્નામેન્ટની દ્રષ્ટિએ આ મેચનું કોઈ ખાસ મહત્વ નથી. પરંતુ આ મેચ વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ છે, કારણકે આ તેના કરિયરની 300મી વનડે મેચ હશે. તે 300 ODI રમનાર ભારતીય સાતમો ખેલાડી બનશે. 300મી વનડેમાં કોહલી પાસે સચિન તેંડુલકર, શિખર ધવન અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજોને પાછળ છોડીને ઈતિહાસ રચવાની તક મળશે. આ મેચમાં તે 7 રેકોર્ડને લક્ષ્ય બનાવશે.

ન્યુઝીલેન્ડ સામે વિરાટ કોહલી જે પહેલો રેકોર્ડ તોડશે તે શિખર ધવનનો હશે. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ધવન ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે આ ટુર્નામેન્ટની 10 મેચમાં 701 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીની 15 મેચોમાં 651 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ સામે 51 રન બનાવતાની સાથે જ તે ધવનને પાછળ છોડી દેશે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકંદર રેકોર્ડની વાત કરીએ, તો ક્રિસ ગેલ સૌથી વધુ રન બનાવવાના મામલે નંબર 1 છે. આ ટુર્નામેન્ટમાં તેણે 17 મેચમાં 791 રન બનાવ્યા છે. આ રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 141 રન બનાવવા પડશે.

વિરાટ કોહલી પાસે તેની 300મી વનડેમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની પણ તક હશે. ખરેખર, ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. સચિને 42 વનડેમાં 1750 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ કિવી ટીમ સામે 31 મેચમાં 1645 રન બનાવ્યા છે અને 106 રન બનાવતાની સાથે જ તે સચિનનો આ રેકોર્ડ તોડી ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની જશે.

જો વિરાટ કોહલી 106 રન બનાવીને સચિનને પાછળ છોડી દે છે, તો તે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ પણ તોડી નાખશે. હકીકતમાં, સેહવાગના નામે ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. સેહવાગે 23 મેચોમાં 6 સદી ફટકારી હતી, કોહલી પણ 6 સદી સાથે સેહવાગની બરાબરી કરી ચૂક્યો છે. આનો અર્થ એ થયો કે જો વિરાટ સદી ફટકારશે, તો તે ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે.

કોહલી પાસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવન સાથે પૂર્વ ભારતીય કેપ્ટન અને પૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને પૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડનો એક રેકોર્ડ તોડવાની તક હશે. હકીકતમાં, આ ત્રણેય એવા ખેલાડીઓ છે જેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવ્યા છે. ધવન, ગાંગુલી અને દ્રવિડે આ સિદ્ધિ 6-6 વખત મેળવી છે. કોહલી આ બાબતમાં બધાની બરાબરી કરી ચૂક્યો છે. જો કોહલી પોતાની 300મી વનડેમાં 50 રનનો આંકડો પાર કરશે તો તે આ ત્રણ દિગ્ગજોને પાછળ છોડી દેશે.

વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં 100 રનની ઈનિંગ રમીને વનડેમાં 14000 રનનો આંકડો પાર કર્યો હતો. અત્યાર સુધીમાં તેણે 299 મેચોમાં 14085 રન બનાવ્યા છે. હવે જો કોહલી કિવી ટીમ સામે 150 રન બનાવવામાં સફળ રહે છે, તો તે કુમાર સંગાકારાને પાછળ છોડી વનડે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બીજો બેટ્સમેન બની જશે. સંગાકારાએ 404 મેચોમાં 14234 રન બનાવ્યા છે.

આ ઉપરાંત, વિરાટ કોહલી પાસે તેની 300મી વનડેમાં કેચનો રેકોર્ડ તોડવાની પણ તક હશે. હકીકતમાં, કોહલીએ અત્યાર સુધીમાં વનડેમાં 158 કેચ પકડ્યા છે. જો તે ન્યુઝીલેન્ડ સામે 3 કેચ લેશે, તો તે રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે અને વનડેમાં સૌથી વધુ કેચ લેનાર બીજો ખેલાડી બનશે. પોન્ટિંગે વનડે ફોર્મેટમાં ખેલાડી તરીકે 160 કેચ પકડ્યા છે. (All Photo Credit : PTI / X)
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા ક્લિક કરો






































































