અમદાવાદ
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈને મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ, ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા અમદાવાદ શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 56,33,927 હતી. શહેરના વ્યાપને ગણતા અમદાવાદ શહેરની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.