કેમ, સાત દિવસ પછી પણ USA માં લાગેલી આગ કાબૂમાં નથી આવતી ?
કેલિફોર્નિયામાં લાગેલી આગ અટકવાના બદલે દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. આ આગમાં અત્યાર સુધીમાં મળેલ અહેવાલ અનુસાર માત્ર કેલિફોર્નિયામાં 12 હજાર ઘર બળીને સંપૂર્ણ રાખ થઈ ગયા છે. ત્યારે પ્રશ્ન એ છે કે, સાત દિવસ થઈ ગયા હોવા છતા આગ હજુ કેમ કાબૂમાં નથી આવી.


કેલિફોર્નિયાના હજારો હેક્ટરમાં ફેલાયેલી દાયકાની સૌથી ભયાનક આગ, હજુ કેટલો વિનાશ સર્જશે ? આગના ધુમાડના ગોટેગોટાથી લોસ એન્જલસનું આકાશ કાળું થઈ ગયું છે. આકાશમાંથી જાણે રાખનો વરસાદ થઈ રહ્યો હોય તેવુ અનુભવાઈ રહ્યું છે. કેલિફોર્નિયાના જંગલોમાં 7 જાન્યુઆરીએ આગ ભભૂકી ઉઠી હતી અને 7 દિવસ પછી તે એટલી ફેલાઈ ગઈ છે કે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કુદરતી આગના કહેર સામે સાવ લાચાર બની ગયો છે.

અમેરિકાના લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી આગનો આજે સાતમો દિવસ છે. છેલ્લા સાત દિવસથી, આ આગ એક પ્રચંડ જ્વાળા બની ગઈ છે તેની ઝપેટમાં આવતા સૌ કોઈને બાળીને રાખ કરી રહી છે. લોસ એન્જલસના મોટા ભાગના વિસ્તારને બાળીને રાખ કરી દીધી છે. સુપર પાવર ગણાતા અમેરિકા દેશ માટે ચિંતાનો વિષય એ છે કે તમામ પ્રયાસો કરવા છતાં, આ આગને અત્યાર સુધી કાબુમાં લેવામાં આવી નથી.

હવામાન વિભાગની નવી ચેતવણી અનુસાર, આ અઠવાડિયે ફૂંકાતા તોફાની ઝડપી પવનોથી આગનો વ્યાપ વધુ વધી શકે છે. શહેરી વિસ્તારોમાં આગ વધુ ઝડપથી ફેલાઈ શકે છે. આગને કારણે લોસ એન્જલસમાં અત્યાર સુધીમાં થયેલા નુકસાનની વાત કરીએ તો, કેટલાકે જીવ ગુમાવ્યા છે, ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.

સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ અનુસાર, આ આગને કારણે અત્યાર સુધીમાં અમેરિકાને લગભગ 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આગમાં લોસ એન્જલસમાં 12,000 થી વધુ ઇમારતોનો નાશ થયો હતો. લોસ એન્જલસમાં 30 હજારથી વધુ ઘરો બળી ગયા છે. આગને કારણે લોસ એન્જલસમાં 1 લાખ 53 હજાર લોકો પોતાનો જીવ બચાવવા માટે વિસ્તાર છોડીને ગયા છે.

આગના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેમણે આગને કારણે થયેલો આટલો વિનાશ પહેલા ક્યારેય જોયો નથી. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે, આ વિનાશ જાણે એવો છે કે, અહીં બોમ્બ વિસ્ફોટ થયો હોય. સુપર પાવર ગણાતા અમેરિકા કે જેણે મુશ્કેલીના સમયે આખી દુનિયાને મદદ કરી હોય, તે પોતે કુદરતના પ્રકોપ સામે લાચાર જોવા મળી રહ્યો છે. રાહત અને બચાવ માટે, આજે અમેરિકાને કેનેડા અને મેક્સિકો જેવા દેશોની મદદ લેવી પડે છે.

જરા કલ્પના કરો કે અમેરિકા માટે આ આફત કેટલી મોટી છે, કે ઈરાને પણ તેની દુશ્મનાવટ ભૂલીને શક્ય તેટલી મદદ કરવા તત્પરતા દાખવી છે. અમેરિકાને સંદેશ આપતાં, તેહરાને કહ્યું છે કે ખાસ સાધનોથી સજ્જ તેની અગ્નિશામક ટીમો ત્યાં પહોંચવા માટે તૈયાર છે. હવે ઈરાન, અમેરિકાના હકારાત્મક પ્રત્યુતરની રાહ જોઈ રહ્યું છે. બધાની નજર હવે આગામી બાઈડન વહીવટીતંત્ર પર છે કે તેઓ આ આગને શાંત કરે.

આગને કારણે લોસ એન્જલસમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ બહાર થઈ ગઈ છે. કેલિફોર્નિયા ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર, અહીં આગ છ ભાગમાં ફેલાયેલી છે. પેલિસેડમાં, 21,600 એકર જમીનમાં આગ લાગી છે, પરંતુ તેમાંથી માત્ર 11 ટકા જમીન પર જ કાબુ મેળવ્યો છે. ઈટનમાં 14,000 એકર જમીનમાં આગ લાગી છે, જ્યારે તેમાંથી માત્ર 15 ટકા જમીન પર જ કાબુ મેળવી શકાયો છે. હર્સ્ટમાં 800 એકરનો વિસ્તાર બળી રહ્યો છે, જેમાંથી 76 ટકા વિસ્તાર પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

લિડિયામાં 400 એકર જમીન બળીને ખાખ થઈ ગઈ હતી, અહીં આગ સંપૂર્ણપણે કાબુમાં છે, કેનેથમાં 1000 એકર જમીન આગના દાયરામાં આવી હતી, તેમાંથી 80 ટકા જમીન પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે શુક્રવારે આર્ચરમાં આગ લાગી હતી અને હજુ સુધી તે કાબુ બહાર છે. લોસ એન્જલસને વિશ્વના સૌથી મોંઘા વિસ્તારોમાંનો એક ગણવામાં આવે છે. અહીં, હોલીવુડ સેલિબ્રિટીઓ પાસે 40 કરોડ રૂપિયાથી 700 કરોડ રૂપિયાના વૈભવી બંગલા છે. આગમાં જેમના ઘર બળીને રાખ થઈ ગયા હતા તેમાં એન્થોની હોપકિન્સ, મેલ ગિબ્સન, લેઈટન મીસ્ટર, એડમ બ્રોડી, જેમ્સ વુડ્સ અને પેરિસ હિલ્ટનનો સમાવેશ થાય છે.

































































