નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ઝ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. જો કે આ ઐતિહાસિક જીત બાદ તેણે તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. તે હવે મેદાનથી દૂર થયો છે.
નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન થયેલી ઈજા બાદ ડાયમંડ લીગમાં પરત ફર્યો હતો. હવે લાંબી આંતરરાષ્ટ્રીય સિઝન અને ઈજાના કારણે તેના માટે આ મહિને શરૂ થનારી નેશનલ ગેમ્સમાં ભાગ લેવો મુશ્કેલ છે.
ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે હજુ પણ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને તે એક-બે અઠવાડિયા સુધી ટ્રેનિંગ કરી શકશે નહીં. એટલા માટે તે આગામી વર્ષ પર ફોકસ કરી રહ્યો છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. તેઓ એક મહિના પછી ડાયમંડ લીગ શ્રેણીના લૌઝેન સ્ટેજ જીતીને ફાઈનલ માટે ક્વોલિફાય થયા.
તેણે ફાઇનલમાં ફાઉલથી શરૂઆત કરી હતી, પરંતુ તેના બીજા પ્રયાસમાં તે 88.44 મીટરના થ્રો સાથે ટોચ પર પહોંચી ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને ડાયમંડ લીગ ફાઇનલ્સ ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમએ કહ્યું કે નીરજે ખૂબ જ સમર્પણ અને સાતત્ય સાથે પ્રદર્શન કર્યું છે. તેમની સતત સફળતાઓ દર્શાવે છે કે ભારતીય એથ્લેટિક્સ કેટલી પ્રગતિ કરી રહ્યું છે.