અમરેલી: પાયલ ગોટીની ધરપકડ અંગે પરશોત્તમ રૂપાલાએ આપ્યુ આ મોટુ નિવેદન- જુઓ Video
અમરેલીના ચકચારી લેટરકાંડમાં કરાયેલી પાયલ ગોટીની ધરપકડ અંગે રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ તેમની પ્રતિક્રિયા આપી છે. રૂપાલાએ પાયલ ગોટીની ધરપકડ અંગે પોલીસની કામગીરી અંગે આ પ્રકારનું નિવેદન આપ્યુ.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાની છબીને ખરાબ કરનારા કથિત લેટરકાંડમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાયલ ગોટીને આરોપી બનાવી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે રાજકોટના સાંસદ અને ખુદ અમરેલીના ઈશ્વરિયા ગામના વતની પરશોત્તમ રૂપાલાએ તેમની પ્રતિક્રિયા આપી. રૂપાલાએ જણાવ્યુ કે પોલીસે બહુ ઉતાવળ કરી નાખી. દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર અયોગ્ય હતો. વધુમાં પાયલને હવે ન્યાય મળશે કે કેમ તે અંગે રૂપાલાએ જણાવ્યુ કે જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે SIT બનાવી છે અને મને આશા છે કે તેમા યોગ્ય કાર્યવાહી થશે.
કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે- રૂપાલા
આ તરફ પાયલ ગોટીની ધરપકડને પાટીદારો અને મહિલાઓના સ્વાભિમાનનો મુદ્દો બનાવી વિપક્ષ દ્વારા રાજનીતિ કરવામાં આવી રહી છે તે અંગે પણ રૂપાલાએ જણાવ્યુ કે કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. બીજી તરફ લેટરકાંડ અંગે તેમણે જણાવ્યુ કે હાલ નનામી લેટર વાયરલ કરવાનો જાણે રોગ ફેલાયો છે. આ પહેલીવાર નથી કે આ રીતે કોઈ પત્રિકા વાયરલ થઈ હોય.
રાત્રિના 12 વાગ્યે કોઈ દીકરીની ધરપકડ કરાઈ ત્યારે કેમ બંધારણ યાદ ન આવ્યુ- કોંગ્રેસ
જો કે કોંગ્રેસ આ મુદ્દે બરાબર લડી લેવાના મૂડમાં છે. પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે 48 કલાક સુધી ભૂખ્યા રહી જિલ્લા એસપી સામે ધરણા કર્યા અને જવાબદાર પોલીસકર્મીઓને સજા આપવાની માગ કરી છે. વિપક્ષે ગૃહરાજ્યમંત્રીને ઉલ્લેખીને પણ પડકાર ફેંક્યો હતો કે તમને બહુ શોખ છે સરઘસ કાઢવાનો તો હવે આ દીકરીની આબરુને ખોટી રીતે નીલામ કરનારા પોલીસકર્મીઓનો વરઘોડો કાઢશો? બંધારણના 75 વર્ષની ઉજવણી કરતી ભાજપની સરકારના એક ધારાસભ્યના કહેવાથી એક દીકરીની રાત્રિના 12 વાગ્યે કોઈ જ વાંકગુના વિના ધરપકડ કરાવે છે ત્યારે કેમ તેમને બંધારણ યાદ નથી આવતુ? વિપક્ષ દ્વારા એવો પણ સવાલ કરવામાં આવ્યો કે શું આ દીકરી ગુનાહિત ઈતિહાસ ધરાવતી હતી? એવી તો શું જરૂરિયાત ઉભી થઈ કે અડધી રાત્રે દીકરીને ઘરેથી ઉઠાવી લેવામાં આવી?
વેકરીયાને કારણે પાર્ટી બેકફુટ પર આવી
જો કે આ સમગ્ર કાંડ જેના માટે થયો તે અમરેલીના ધારાસભ્ય આ સમગ્ર મામલે મૌન સેવીને બેઠા છે અને તેઓ લેટરકાંડમાં સખ્ત કાર્યવાહી ઈચ્છતા હતા પરંતુ તેમની આ જીદને કારણે અને પોલીસના રાજકારણીઓના વ્હાલા થવાની નીતિએ એક દીકરીની આબરૂને તાર તાર કરી નાખી. માતાઓ-બહેનોની વાતો કરતી પાર્ટીના પ્રતિનિધિને કદાચ અંદાજો નહીં હોય કે તેમની આ એક કાર્યવાહીના લીધે સમગ્ર પાર્ટી બેકફુટ પર આવી જશે. હાલ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ મામલે કંઈપણ બોલવાથી બચી રહ્યા છે. ખુદ જિલ્લાના 4 વાર સાંસદ રહેલા નારણ કાછડિયા પણ 15 દિવસ બાદ ચિત્રમાં આવ્યા હતા.
પોતાના જ ગઢમાં ઘેરાયા વેકરીયા
આ બધા વચ્ચે એક તરફ કૌશિક વેકરીયા ચૂપ છે તો બીજી તરફ અમરેલી અને રાજ્યના રાજકારણમાં પોતાનું સ્થાન બનાવનાર વેકરીયા સામે પક્ષ આંતરિક રીતે નારાજ હોવાનું મનાય છે. આ મામલે પાર્ટી વેઈટ એન્ડ વોચના મૂડમાં છે. 9 જૂન, 1986ના રોજ જન્મેલા વેકરિયાએ 2022ની ચૂંટણીમાં 46 હજારથી વધુ મતોથી જીત મેળવી હતી. અગાઉ અમરેલીના જિલ્લા પ્રમુખ વેકરીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.com નો અભ્યાસ કર્યો છે. તેઓ તેમના ગામના સરપંચ પણ છે. ગુજરાતમાં પાટીદાર મુદ્દે આગામી દિવસોમાં જોર પકડશે તો વેકરિયાના રાજકીય ભાવિ પર ચોક્કસપણે અસર કરી શકે છે. વેકરિયાને રાજકીય રીતે બેવડા પડકારનો સામનો કરવો પડ્યો છે. તેમની સામે પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાતની ત્રિપુટીનો સામનો કરવાનો પડકાર છે તો બીજી તરફ તેમના વિરોધીઓ પણ ભાજપમાં સક્રિય છે.