Ahmedabad : ICCએ સચિનને બનાવ્યો Global Ambassador, વર્લ્ડ કપ ટ્રોફી લઈ નમો સ્ટેડિયમમાં કરશે એન્ટ્રી
World Cup 2023ની રાહ લાંબા સમયથી જોવાઈ રહી છે. 5 ઓક્ટોબરથી અમદાવાદથી શરુ થનારા વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં રમાશે. ત્યારે સચિન તેંડુલકરના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આઈસીસીએ સચિનને પોતાનો ગ્લોબલ એમ્બેસેડર જાહેર કર્યો છે.

સચિન તેંડુલકરે 1987ના વર્લ્ડ કપમાં બોલ બોયની ભૂમિકા ભજવી હતી. 1992 થી 2011 સુધી, સચિન ભારત માટે સતત 6 વર્લ્ડ કપ રમ્યો હતો.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને અમદાવાદમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે વૈશ્વિક એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.

સચિન તેંડુલકર ગુરુવારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શરૂઆતની મેચ પહેલા વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેદાનમાં ઉતરશે અને ટૂર્નામેન્ટને ઓપન જાહેર કરશે.

તેંડુલકરે એક પ્રેસ રિલીઝમાં કહ્યું, '1987માં બોલ બોય બનવાથી લઈને છ ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધી, વર્લ્ડ કપ હંમેશા મારા દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. 2011માં વર્લ્ડ કપ જીતવો એ મારી ક્રિકેટ કારકિર્દીની સૌથી ગર્વની ક્ષણ હતી.

સચિને 19 વર્ષની ઉંમરમાં પહેલો વર્લ્ડ કપ રમ્યો હતો. તે વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. તે વર્લ્ડ કપમાં 2000 રન ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તે વર્લ્ડ કપની ટ્રોફી સાથે અમદાવાદના નમો સ્ટેડિયમમાં એન્ટ્રી કરતો જોવા મળશે.