IPL 2023: આ 5 બોલર્સ ટૂર્નામેન્ટમાં બેટરો પર ભારે, જાણો કોણ છે ખતરનાક ‘શિકારી’, આ છે ‘કંજૂસ’ બોલર!
IPL 2023 ની શરુઆત થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વિશ્વભરના ક્રિકેટરો ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ધૂમ મચાવશે. બેટરો જ નહીં બોલરો પણ પોતાની તાકાત દર્શાવતા હોય છે. જાણીશુ કયા બોલર રહ્યા છે ખતરનાક શિકારી.

IPL માં સૌથી સફળ બોલર તરીકે ડ્વેન બ્રાવો રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર બ્રાવોએ આઈપીએલમાં પોતાના નામે 181 વિકેટ ઝડપી છે. જ્યારે આ યાદીમાં બીજા ક્રમે લસિથ મલિંગા છે, જેણે 170 વિકેટ ઝડપી છે. મલિંગા હવે નિવૃત્ત થઈ ચુક્યો છે. અમિત મિશ્રા 166 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.

વિકેટ ટેકર બાદ સૌથી કંજૂસ બોલર કોણે રહ્યો છે, તેના પર એક નજર કરીએ. રાશીદ ખાન સૌથી કંજૂસાઈ પૂર્વક બોલિંગ કરી રહ્યો છે. લેગ સ્પિનર રાશિદ પ્રતિ ઓવર 6.35 રન આપે છે, જે 100 કે તેથી વધારે વિકેટ ઝડપનારા બોલર્સમાં સૌથી શ્રેષ્ઠ છે.

ભુવનેશ્વર કુમાર IPL ઈતિહાસમાંમાં સૌથી વધારે ડોટ બોલ કરનારો બોલર છે. ભુવીએ અત્યાર સુધીમાં 1400 એવા બોલ ફેંક્યા છે, જેના પર બેટર કોઈ જ રન લઈ શક્યા નથી. આ યાદીમાં બીજા ક્રમે રવિચંદ્રન અશ્વિન છે, જેણે 1357 ડોટ બોલ કર્યા છે. જ્યારે સુનિલ નરેન 1346 ડોટ બોલ સાથે ત્રીજા ક્રમે છે.

એક જ સિઝનમાં સૌથી વિકેટ કોના નામે છે? સવાલનો જવાબ હર્ષલ પટેલ અને બ્રાવોના નામે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બોલર હર્ષલ પટેલે 2021 ના વર્ષની સિઝનમાં સૌથી વધારે 32 વિકેટ ઝડપી છે. તેણે 15 મેચ રમીને આ વિકેટ ઝડપી હતી. 32 વિકેટ ઝડપનાર બીજો બોલર ડ્વેન બ્રાવો છે, તેણે હર્ષલ કરતા 3 મેચ વધારે રમી છે. એટલે કે 18 મેચમાં તેણે આટલી વિકેટ ઝડપી હતી.

શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન અલ્ઝારી જોસેફના નામે છે. જોસેફે 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય સોહિલ તનવીર અને એડમ ઝંપા પણ એક મેચમાં 6-6 વિકેટ ઝડપી ચુક્યા છે. તનવીરે 14 રન આપીને અને ઝંપાએ 19 રન આપીને આ કમાલ કર્યો હતો.