Bajra Muthiya : બાજરીના હેલ્ધી અને ટેસ્ટી મૂઠીયા ઘરે બનાવો, આ ટીપ્સ અપનાવશો તો બનશે એકદમ સોફ્ટ
દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના મૂઠીયા બનાવવામાં આવતા હોય છે. આ મૂઠીયાને કેટલાક લોકો ઢોકળા કે ભજીયાના નામે પણ ઓળખતા હોય છે. તો આજે હેલ્ધી અને ટેસ્ટી બાજરીના મૂઠીયા બનાવવાની રેસિપી જોઈશું.

બાજરીના મૂઠીયા બનાવવા માટે ચણાનો લોટ, બાજરીનો લોટ, હળદર, લાલ મરચું, મીઠું, લીલી મેથીના પાન, આદુ-મરચાની પેસ્ટ, તેલ,લસણ, રાઈ, તલ, જીરું, હિંગ સહિતની સામગ્રીની જરુર પડશે.

બાજરીના મૂઠીયા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બાજરી અને ચણાનો લોટ ચાળીને લો. તેમાં દહીં, હળદર, લાલ મરચું પાઉડર, કાપેલી મેથી, કોથમરી, આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ તમામ સામગ્રીને બરાબર મિક્સ કરી લો.

હવે તેમાં થોડુ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટમાં વધારે પાણી ન પડી જાય. હવે સ્ટીમરને ગરમ કરવા મુકો. તેની થાળી પર થોડું તેલ લગાવી તેને 30 સેકન્ડથી 1 મિનિટ જેવુ પ્રિ હિટ કરો.

ત્યારબાદ તૈયાર લોટમાંથી મૂઠીયા બનાવી થાળી પર મૂકી 15 થી 20 મિનિટ સ્ટીમ કરો. મૂઠીયા સારી રીતે પાકી જાય ત્યારે તેને બહાર કાઢી ઠંડા થવા દો.

ઠંડા થયેલા મૂઠીયાને કાપી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં તલ, રાઈ,જીરું અને હિંગ ઉમેરી તડકો તૈયાર કરો. આ મૂઠીયાને તમે દહીં અથવા ચા સાથે સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































