શેરબજારના રોકાણકારો માટે ચેતવા જેવો કિસ્સો, નવસારીમાં ફ્રોડ એપ્લિકેશન થકી આધેડના ગયા લાખો રૂપિયા
ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલસા ક્યારેક મહેનતના પૈસા પણ ડુબાડી દે છે. એવો જ એક કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. જ્યાં શેર બજારમાં વધુ નફો મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ 21.60 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

આજના સોશિયલ મીડિયાના જમાનામાં અવનવી એપ થકી શેરબજારમાં રોકાણ કરવા માટેની અનેક સ્કીમો અને એપ્લિકેશનનો બજારમાં ઉપલબ્ધ થઈ છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો એ કોઈને ખબર નથી. ત્યારે ફ્રોડ એપ્લિકેશન થકી લાખો રૂપિયાનો ચૂનો લગાવતી ગેંગ નવસારી જિલ્લામાં સક્રિય થઈ છે.

આ ઘટના એવી છે કે વિદેશમાં બેસી ડમી શેરબજારની એપ્લિકેશન બનાવી રોકાણ કરાવી સારો ફાયદો આપવાની લાલચ આપતી ગેંગ ફ્રોડ કરી રહી છે, જેમાં અનેક લોકોએ પોતાના મહેનતના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. નવસારીમાં પણ આ જ રીતની ઘટના બની છે જેમાં whatsapp ગ્રુપ બનાવી કુલ 21 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે.

13 black rock stock and institutional club નામથી એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી અને whatsapp ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં રોકાણ કર્યા બાદ સારો મુનાફો કમાઈ આપવાની લાલચ આપવામાં આવી હતી જેમાં નવસારીના કેતન પટેલે એમાં પહેલા દસ હજાર રૂપિયા રોક્યા હતા જેને એ બે અઠવાડિયામાં 12 હજાર રૂપિયા મળતા વધુ લાલચ જાગી હતી અને ટુકડે ટુકડે જુદી જુદી બેંકોમાં એમણે કુલ 21 લાખ રૂપિયા જેટલી મતભર રકમનું રોકાણ કર્યું હતું.

કેતનભાઇને જ્યારે પોતાના પૈસાની જરૂર પડી તેને ઉપાડવાના પ્રયત્નો કર્યા ત્યારે ફાયનાન્સ કંપની દ્વારા હાથ ઉંચા કરી દેવામાં આવ્યા હતા અને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો જે સંદર્ભમાં નવસારી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેની તપાસ હાલ નવસારી સાયબર પોલીસ ચલાવી રહી છે

નવસારી શહેરમાં ટાસ્ક ફ્રોડના કિસ્સાઓ માં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ બનેલા આ પ્રકરણમાં યુવકે પોતાની મહેનતના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે હવે સાયબર પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકલ લોકોની સંડવણી છે કે કેમ એ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે whatsapp ગ્રુપ અને બેંકના સ્ટેટમેન્ટ અને અકાઉન્ટ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. આવનારા સમયમાં આમાં વધુ ખુલાસા થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે

































































