દિવાળીના પર્વને લઈ દેશમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે આ દિવાળીનો રંગ રાજભવનમાં પણ જામ્યો છે.
રાજભવનમાં અનોખી રંગોળી બનાવવામાં આવી છે. અને આ રંગોળીમાં ખાસ સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે.
લોકોના સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ તથા હવા-પાણી અને જમીનની જાળવણી માટે ચિંતિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે.
રાજભવનમાં વિશાળ રંગોળીના રંગોમાં 'સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ'નો સંદેશ પથરાયો છે. રાજ્યપાલે નવા વર્ષમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો છે.
દીપોત્સવની સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીજીએ આ રંગોળી પાસે દીવડા પ્રગટાવ્યા હતા..