અમદાવાદ મનપાએ કર્યુ બુદ્ધિનું પ્રદર્શન, 10 કરોડ ખર્ચી ટ્રાફિકના નિવારણ માટેની ડિઝાઈન બનાવી અને હવે એ યોજના જ બની માથાનો દુખાવો
તમે એવું ક્યાંય સાંભળ્યું કે સરકારી કામમાં મંજૂરી મળી ના હોય અને તો ય કરોડોનું કામ પૂરૂ થઈ જાય ? પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એવું થાય નહીં, જરૂર થાય. કેમકે પૈસાની વાત હોય ત્યાં પાલિકાની મથરાવટી સૌ જાણે છે. હવે વાત આમ તો અમદાવાદની ટ્રાફિક સમસ્યા હળવી કરવાની છે. પાલિકાએ એવો પ્લાન બનાવેલો હતો. પછી એનું શું થયું ? એ જાણવા જેવું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકના નિરાકરણ માટે શહેરના મુખ્ય જંકશન પર ડિઝાઇન અને સર્વેનો ખર્ચ કરીને એક સરસ મઝાની યોજના બનાવી. પહેલી તો વાત એ કે અમદાવાદના અનુપમ સિનેમા પાસેના સર્કલની કોઈપણ મંજૂરી પહેલાં જ નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી. પરંતુ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ડિઝાઇન મુશ્કેલીની ડિઝાઇન બની રહી છે. કેમકે તેના કારણે.
ટ્રાફિકની મુશ્કેલી ઘટવાને બદલે વધી !
- રોંગ સાઇડમાં વાહનો આવવાનું વધ્યું
- આમને સામને વાહનોથી અકસ્માત વધ્યા
- લેફ્ટ ટર્નિંગ પર વધુ વાહનોનો જામ થઈ રહ્યા છે
- રાહદારીઓ માટેના ફૂટપાથની જગ્યાનો કોઈ ઉપયોગ નહીં
- એક પણ જગ્યા પર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી
જોકે આખા મામલામાં સવાલ એ થાય છે કે, મંજૂરી વગર કામ,
- ડિઝાઇન કમિટીમાં મંજૂર થાય તે પહેલાં કામ પૂરું કેવી રીતે ?
- રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કામ મંજૂર કરાયું
- તે પહેલા તો કામ પૂર્ણતાના આરે કેવી રીતે આવી ગયું ?
- મંજૂરી વિના કામગીરી કરવાની કોની સત્તા ?
- એજન્સીને ફાયદો કરાવવા અધિકારીઓની મીલીભગત છે ?
- 10 કરોડ રૂપિયા માત્ર ડિઝાઇન બનાવવા પાછળ ખર્ચ
- 45 જંકશન પર આ રીતે ડિઝાઇન બનાવવામાં આવશે
આ બધા પ્રશ્નો એટલા માટે છે કેમકે સ્થાનિકોના મતે તેની જગ્યા ખોટી પસંદ કરવામાં આવી છે.
જૂના અનુભવો એવા રહ્યા છે કે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ ક્યારેય સફળ રહ્યું નથી. ત્યારે ફરી એક વખત ટ્રાફિકના નિરાકરણ માટે પાલિકાએ બીડું ઉપાડ્યું છે અને શહેરના મુખ્ય જંકશન પર મંજૂરી વગર જ ડિઝાઇન અને સરવેનો ખર્ચ કરી નાખ્યા બાદ હવે ડિઝાઇન બનાવવા માટે કોર્પોરેશન કામે લાગ્યું છે. એને માટે 10 કરોડ 52લાખ રૂપિયાના ખર્ચે શહેરના 45 જેટલા જંકશન પર ટ્રાફિક ન થાય તે પ્રકારની ડિઝાઈન બનાવવામાં આવશે.
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જંકશન પર વારંવાર લેફ્ટ ટર્નિંગ ખોલવા બાબતે પણ અનેક વખત ડિઝાઇન બદલાયા કરે છે, વારંવાર ડિઝાઇન બદલવાથી, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ટ્રાફિકનું નિરાકરણ થશે ખરું ? એ પાલિકાના ઈરાદાઓ જોતાં સૌથી મોટો સવાલ છે.