90 km રનિંગ, 7 કિલો વજન ઘટવાને કારણે લીધી નિવૃત્તિ, વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટનનો ચોંકાવનારો ઘટસ્ફોટ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર મેગ લેનિંગે માત્ર 31 વર્ષની વયે નિવૃત્તિ લેવાનું કારણ જાહેર કર્યું છે. 7 વર્લ્ડ કપ જીતનાર આ ખેલાડીએ સંન્યાસ લેવાનું એવું કારણ આપ્યું છે કે તમે જાણીને ચોંકી જશો.

ઓસ્ટ્રેલિયાને 7 વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મેગ લેનિંગે મોટો ખુલાસો કર્યો છે. લેનિંગે જણાવ્યું કે તે ડિપ્રેશનથી પીડાતી હતી, જેના કારણે તેણે માત્ર 31 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી હતી.

લેનિંગે જણાવ્યું કે ડિપ્રેશનની સાથે-સાથે તેને વધુ વર્કઆઉટ કરવાની અને ઓછું ખાવાની આદત હતી અને તેના કારણે તેનું વજન સતત ઘટી ગયું અને પછી તેણે રમતને અલવિદા કહ્યું.

બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ લેનિંગે માનસિક સ્વાસ્થ્ય માટે છ મહિનાનો બ્રેક લીધો હતો. તેણે એશિઝ 2023 પછી રમતમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તેણે કોઈ કારણ આપ્યું ન હતું. જો કે, હવે એક પોડકાસ્ટ દરમિયાન તેણે તેની નિવૃત્તિનું કારણ જાહેર કર્યું છે.

લેનિંગે કહ્યું કે એક સમય એવો આવ્યો જ્યારે તેણીની ભૂખ ઓછી થઈ અને અઠવાડિયામાં 90 કિલોમીટર દોડ્યા પછી તે માત્ર બે વાર જ ભોજન લેતી હતી, જેના કારણે તેનું વજન ઘણું ઘટી ગયું હતું. લેનિંગનું વજન 64 કિલોથી ઘટીને 57 કિલો થઈ ગયું અને તેના કારણે તેની એકાગ્રતા પર અસર થઈ.

લેનિંગે વધુમાં કહ્યું કે તે રાત્રે સૂઈ શકતી ન હતી, જેના કારણે તે પોતાની જાત પર ગુસ્સે થતી હતી. લેનિંગે તેના પરિવાર અને મિત્રોથી અલગ રહેવાનું શરૂ કર્યું. આની તેના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી હતી.

































































