IPL 2024: KKRના ખેલાડી પર BCCI દ્વારા મોટી કાર્યવાહી, એક મેચ માટે સસ્પેન્ડ, એક પૈસો પણ નહીં મળે
કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને એકતરફી રીતે હરાવ્યું હતું, પરંતુ તેમના એક ખેલાડીને મોટું નુકસાન થયું હતું. આ ખેલાડીને તેની હરકતના કારણે સજા મળી છે. BCCIએ આ ફાસ્ટ બોલરની સામે મોટી કાર્યવાહી કરી છે અને તેના પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય તેની 100 ટકા મેચ ફી પણ કાપવામાં આવી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે પરંતુ BCCIએ KKRના એક ખેલાડી સામે મોટી કાર્યવાહી કરી છે. અમે વાત કરી રહ્યા છીએ હર્ષિત રાણાની જેને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

હર્ષિત રાણાએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં IPLની આચારસંહિતાનો ભંગ કર્યો હતો. હર્ષિત મેચ રેફરી સમક્ષ હાજર થયો અને ખેલાડીએ પોતાની ભૂલ સ્વીકારી, ત્યાર બાદ તેને સજા ફટકારવામાં આવી.

એક મેચ માટે સસ્પેન્ડ થવા ઉપરાંત હર્ષિત રાણાએ તેની મેચ ફી પણ ગુમાવી દીધી છે. હર્ષિત રાણાની 100 ટકા મેચ ફી કાપવામાં આવી છે. મતલબ કે, તેને દિલ્હી કેપિટલ્સ સામેની મેચ માટે IPL ફી નહીં મળે.

હર્ષિત રાણાને બીજી વખત સજા કરવામાં આવી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આક્રમક ઉજવણી કરવા બદલ તેની મેચ ફીના 60 ટકા કાપવામાં આવ્યા હતા. પરંતુ ભૂલનું પુનરાવર્તન કર્યા બાદ તેને વધુ આકરી સજા આપવામાં આવી હતી.

હર્ષિત રાણાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનમાં 8 મેચમાં 11 વિકેટ લીધી છે.

































































